લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું

MLA Ketan Inamdar Resigns : લોકસભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ…. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું….અંતર આત્માનો અવાજ સાંભળી આપ્યું

ધારાસભ્ય પદેથી રાજીનામું..

Gujarat Loksabha Elections : લોકસભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. પહેલાથી જ લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટ સામે નારાજગીના દોર ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મોડી રાતે બે વાગ્યે ઈ-મેઈલથી રાજીનામું મોકલી આપ્યું છે. કેતન ઈનામદાર સતત બે ટર્મથી સાવલીથી ભાજપના ધારાસભ્ય છે. 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ અંતર આત્માનો અવાજ સાંભળી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

મહત્વનું છે કે વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટના નામની જાહેરાત પછી વડોદરા ભાજપમાં વિખવાદની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવે ગઈકાલે જો વિપક્ષમાં સક્ષમ ઉમેદવાર ન હોય તો પોતે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી અને રંજનબેન ભટ્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

કેતન ઈનામદાર કેમ નારાજ
કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટો ખુલાસો થયો છે કે, પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત સામે આવી છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં તેઓ નારાજ થયા હતા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઈનામદાર ચૂંટણી લડ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજગી હતી.

કેતન ઈનામદારે ગઈકાલે રાત્રે 2 કલાકે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઈલથી રાજીનામું મોકલ્યું હતું. જોકે, ધારાસભ્યનું રાજીનામું ન મળ્યું હોવાની વાત વિધાનસભા સચિવ D.M પટેલે ZEE 24 કલાકને  ટેલિફોનિક વાતચીતમાં જણાવી છે.

તો બીજી તરફ, કેતન ઈનામદારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મેઇલ દ્વારા રાજીનામું મોકલ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા બનાવાઈ રહ્યા હોવાના મુદ્દે રાજીનામું આપ્યાની વિગત બહાર આવી છે. જોકે જયાં સુધી તેઓ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામુ રુબરુમાંના સોંપે ત્યાં સુધી ધારાસભ્ય પદેથી તેઓનું રાજીનામું નહી ગણાય. રાજીનામું અધ્યક્ષ ને રુબરુ સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂર્ણ નથી કરી. અધ્યક્ષનો સમય પણ નથી લીધો.

ક્યારે ક્યારે વિવાદોમાં આવ્યા ઈનામદાર?
થોડા સમય પહેલા બરોડા ડેરી સામે ઈનામદાર જંગે ચડ્યા હતા. પશુપાલકોને ભાવફેરની રકમ નહીં ચૂકવાતી હોવાના આરોપથી વિવાદ શરૂ થયો હતો. ઈનામદારે આક્ષેપ કર્યો કે- બરોડા ડેરીના સત્તાધીશો મનમાની કરવા ટેવાઈ ગયા છે.. પશુપાલકોને ભાવફેર આપવાની આ લડત છે. પરંતુ ડેરીના સત્તાધીશો પશુપાલકોને ભાવફેર આપવામાં આનાકાની કરી રહ્યા છે.. જે દર્શાવે છે કે તેમના મનમાં બદ ઈરાદા છે. જો કે, બાદમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. અન્ય એક વાત 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયની છે. જ્યારે એક સભા દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું લાયસન્સ ન હોય તો ચિંતા ન કરતા પોલીસ પકડે તો હું બેઠો છું. પોલીસ કોઈને પણ પકડે તો કહી દેજો કે સાવલીના કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું. વળી એટલું જ નહીં તેમણે યુવાનોને કહ્યું કે રાજ્યમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ તો મારુ નામ જ આપી દેજો. આ નિવેદન બાદ ખૂબ જ હોબાળો થયો હતો. મહત્વની વાત એ પણ છે કે, આ પહેલીવાર નથી જ્યારે ઈનામદારે રાજીનામું આપ્યું હતું. વર્ષ 2020માં અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા અને વિકાસના કામો નથી થતા એમ કહી રાજીનામું ધરી દીધું હતું. જો કે,બાદમાં સમજાવટથી કેતન ઈનામદારે રાજીનામું પાછું લીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.