ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ એક ઠરાવથી ૧૮ વર્ષ જૂની અનામત નીતિમાં બદલાવ કર્યો હતો. જેના એક વર્ષ પછી વિવિધ સરકારી ભરતીઓમાં અનામત હેઠળના ઉમેદવારો જનરલથી વધુ મેરિટ મેળવે તો પણ તે અનામત પૂરતા મર્યાદિત રહ્યાની અસરો શરૂ થઈ છે. લોક રક્ષકદળ- LRDની ભરતીમાં જાહેર થયેલી પસંદગી યાદીમાં જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારના કટ ઓફ મેરિટથી વધુ મેરિટ હોવા છતાંયે ST, SC, OBC અને EBC વર્ગની મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરીને બદલે છે તે જ અર્થાત અનામત કેટેગરીમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેનો વિવાદ વકર્યો છે. ગાંધીનગરમાં એક મહિનાથી આ નીતિના વિરુદ્ધમાં રાજ્યના તમામ ક્ષેત્રો- જ્ઞાતિઓની મહિલા ઉમેદવારો દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યુ છે. જેમાં હવે અનેક સમાજના આગેવાનો જોડાતા સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખમાં દોડધામ મચી છે.
GPSC, ગૌણ સેવા અને પંચાયત સેવા પંસદગી મંડળ- બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ સમક્ષ રજૂઆતકર્તા ઉમેદવારોએ અનામત નીતિ મુદ્દે વારંવાર રજૂઆતો કરી છે. આ તમામ ભરતી સંસ્થાઓ દ્વારા ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવ ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. આથી, GAD ભીંસમાં મુકાયું છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને થયેલા અન્યાય મુદ્દે GADના અગ્રસચિવ કમલ દયાનીનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ કર્યો નહોતો. એટલું જ નહીં તેમણે મેસેજનો જવાબ આપવાનું પણ મુનાસિફ માન્યું નહોતું.
LRDમાં ૬,૧૨૮ જગ્યા માટે ઉમેદવારો પસંદ કરાયા છે. ભરતી મોટાપાયે હોવાથી અનામત વર્ગની મહિલાઓની સંખ્યા વધુ હોવી તે સ્વાભાવિક છે. આ કારણોસર અનામત વર્ગની મહિલાઓને ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને કારણે થયેલા અન્યાયની અસરો વધુ પ્રકાશમાં આવી છે. જોકે, આ પહેલા GPSCએ ૪થી જુલાઈ ૨૦૧૯ના રોજ જાહેર કરેલા ક્લાસ વન-ટુના ફાઇનલ લિસ્ટમાં મેરિટમાં ૧૪માં ક્રમાંકે રહેલા SC મહિલા ઉમેદવારનું મેરિટ જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોના કટ ઓફ મેરિટથી વધુ હોવા છતાંયે તેમને જનરલમાં સમાવવાને બદલે SC કેટેગરીમાં જ સમાવાયા છે ! ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી મ્યુ.સેનેટરી ઇન્સ્પેક્ટરની ૬૩ જગ્યાઓમાં પણ SC વર્ગની મહિલાઓને પણ આવો જ અન્યાય થયો છે. આમ, એક વર્ષમાં અસંખ્ય નાની ભરતીઓમાં અનામત નીતિનો ભંગ થયાનું કહેવાય છે. LRDમાં મોટાપાયે ભરતીને કારણે ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવના પેરા-૧૨ અને ૧૩ની સૂચનાઓની અસરો વ્યાપકપણે ફરિયાદ સ્વરૂપે બહાર આવી રહી છે. આથી સરકારે આદિજાતિ વિકાસ, સામાજિક ન્યાય અધિકારીતા અને સામાન્ય વહીવટ વિભાગ પાસેથી રિપોર્ટસ માગ્યાનો જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.