મા અમૃતમ કાર્ડનો ખોટો ઉપયોગ કરીને સરકાર પાસેથી રૂપિયા પડાવતી હોસ્પિટલો પર લેવાશે કડક પગલાં

મા અમૃતમ કાર્ડ ધરાવતા કોઇપણ દર્દીએ હોસ્પિટલની સારવારનું બીલ ચૂકવવાનું હોતું નથી. આ કાર્ડ બતાવી દેવાથી હોસ્પિટલના સંચાલકો જેટલો ખર્ચ થયો હોય તેટલો ખર્ચ સરકાર પાસેથી મેળવી લેતી હોય છે. રાજ્યમાં ઘણી એવી હોસ્પિટલો છે કે મા અમૃતમ કાર્ડનો ખોટો ઉપયોગ કરીને સરકાર પાસેથી રૂપિયા પડાવી રહી છે. આવી બાબત સરકારના ધ્યાને આવતાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ પગલાં ભરવાના શરૂ કર્યા છે.

તપાસમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં આવી આઠ હોસ્પિટલો એવી સામે આવી છે કે જેમણે મા અમૃતમ કાર્ડનો દુરપયોગ કર્યો છે. આ હોસ્પિટલોના સંચાલકોએ દર્દીઓ તો ઠીક સરકારને પણ છેતરી છે. અમદાવાદ સ્થિત નરોડામાં આવેલી સેલ્બી હોસ્પિટલે એક દર્દી ઇશ્વર દેસાઇ પાસેથી રૂપિયા ખંખેર્યા છે. તેમની પાસે મા અમૃતમ કાર્ડ હતું છતાં ડોક્ટરો અને સંચાલકોએ તેમની પાસેથી રૂપિયા લીધા હતા. આરોગ્ય વિભાગે નોટીસ આપી આ હોસ્પિટલ પાસેથી દર્દીને રૂપિયા પાછા અપાવ્યા છે.

રાજ્યની જે હોસ્પિટલોમાં મા અમૃતમ કાર્ડ ચાલતું હોય ત્યાં સારવાર કરાવવામાં આવે તો દર્દીને એકપણ રૂપિયો આપવાનો થતો નથી. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાન્તાબેન ઠક્કર દાખલ થયા હતા પરંતુ તેમને યોજના પ્રમાણેની સારવાર મળી ન હતી તેથી તેમણે ફરિયાદ કરી હતી જેના અનુસંધાને તપાસ કરતાં માલૂમ પડ્યું કે હોસ્પિટલે દર્દીને પ્રાઇવેટ દર્દી તરીકે સારવાર આપી હતી અને 1.30 લાખ રૂપિયા લીધા હતા, કારણ કે દર્દીની બિમારીમાં કાર્ડનો ઉપયોગ થઇ શકતો ન હતો, કારણ કે યોજનામાં તે દર્દનો સમાવેશ ન હતો.

કેટલાક કેસોમાં દર્દીઓ પણ યોજનાનો લાભ ન હોય તેવી બાબતો કાર્ડ સાથે જોડી દેતાં હોય છે અને પછી હોસ્પિટલ પર ક્લેમ કરે છે. સરકારના ધ્યાને આવી બઘી બાબતો પણ આવી છે. આ જ હોસ્પિટલમાં દર્દી તરીકે દાખલ થયેલા ગંભીર સોલંકીની ફરિયાદ હતી પરંતુ તેમણે અગાઉ સરકારી હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડના લાભ લીધા હતા તેથી તેમને બીજીવાર મળી શકે તેમ નહીં હોવાથી હોસ્પિટલે તેમની પાસેથી સારવારના રૂપિયા લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.