મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ-ટ્રકની જોરદાર ટક્કર, 9 લોકોના મોત અને 24 ઘાયલ…

મધ્યપ્રદેશમાં શનિવારે રાતે પ્રાઇવેટ ટ્રાવેલ્સની 45 મુસાફરોને ભરેલી બસની ટ્રક સાથે ટક્કર થઈ જતા 9 લોકોના મોત થયા છે. આ ગંભીર અકસ્માતમાં 24 લોકો ઘાયલ થયા હોવાની જણાવાયું છે.

મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 9 લોકોના મોત થયા છે અને લગભગ 24 લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી, ત્યારે જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિલોમીટર દૂર નાદાન દેહત પોલીસ સ્ટેશન પાસે શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે તે પથ્થરોથી ભરેલા ડમ્પર ટ્રક સાથે અથડાઈ. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે, રાહત કાર્ય હજુ પણ ચાલુ છે.

મૈહરના પોલીસ અધિક્ષક સુધીર અગ્રવાલે જણાવ્યું કે ઘાયલોમાંથી છની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને સતના રિફર કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે બાકીના લોકોની મેહર અને અમરપાટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુધીર અગ્રવાલે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્ય શરૂ કર્યું.

ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર

શનિવારે રાત્રે 11 વાગ્યે મૈહર જિલ્લામાં એક ટ્રક અને પેસેન્જર બસ વચ્ચે ટક્કર થઈ. મળતી માહિતી મુજબ બસમાં 45 મુસાફરો સવાર હતા. મૈહરના નાદાન દેહત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી વખતે આ દુ:ખદ અકસ્માત થયો હતો. જણાવી દઈએ કે પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ પ્રયાગરાજથી નાગપુર થઈને રીવા જઈ રહી હતી. આ દરમિયાન બસ ચૌરસિયા ઢાબા પાસે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી.

9 લોકોના દુઃખદ મોત

ટક્કર એટલી જોરદાર હતી કે બસની અંદર ચીસો પડી ગઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બસના 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે સતના જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવેલા ત્રણ ઘાયલોના મોત રસ્તામાં થઈ ગયા. મૃતકોની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં બસના કંડક્ટરનું પણ મોત થયું છે.

ગેસ કટર વડે બસ કાપી

મૈહરના એસડીએમ વિકાસ સિંહ, તહસીલદાર જીતેન્દ્ર પટેલ, મૈહરના એસપી સુધીર કુમાર અગ્રવાલ અને એસપી રાજીવ પાઠક પણ ઘટનાસ્થળે હાજર છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત એટલો ભયંકર હતો કે બસના લોખંડને ગેસ કટરથી કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.