મગફળીની ખરીદીને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે 1 ઓક્ટોબરથી સરકારી મગફળી ખરીદીમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થશે. જે ખેડૂતોએ મગફળી વાવી છે તેઓએ 20 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે. જ્યારે નાફેડ દ્વારા 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદી ચાલુ થશે.
મગફળીની ખરીદી પ્રક્રિયા લગભગ 90દિવસ સુધી ચાલુ રહેશે. રાજ્યમાં સારા વરસાદને પગલે મગફળીના પાકના સારા ઉત્પાદનના સરકારે અંદાજો લગાવ્યા છે. મગફળીની ખરીદી નાફેડ દ્વારા અન્ન નાગરિક પુરવઠા દ્વારા કરવામાં આવશે.
કૃષિ મંત્રી આરસી ફળદુએ જણાવ્યું કે, રાજ્યમાં પ્રતિ મણ 1055 રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. મગફળી ખરીદીની પ્રક્રિયા લાભપાંચમથી ચાલુ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે અધિક માસ હોવાને કારણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ ખેડૂત આગેવાનોની રજૂઆતોને પગલે સરકાર લાભ પાંચમથી નહીં પરંતુ ઓક્ટોબર માસથી ખરીદી શરૂ કરશે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં મગફળીના સંભવિત ઉત્પાદનના આંક નક્કી કરી તેના 25 ટકા સુધીની જણસી–મગફળી ખરવા માટે ભારત સરકારને પત્ર દ્વારા ધ્યાન દોર્યું છે.
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં ટેકાના ભાવે કઠોળની ખરીદી પણ કરવામાં આવશે. ચોમાસુ કઠોળ પાકની ખરીદી માટે પણ આગામી સમયમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં સારા વરસાદને પગલે રવી અને ઉનાળુ પાકના વાવેતરને પણ સારો વેગ મળશે.
રાજ્યમાં મગફળીનું વાવેતર
ગુજરાતભરમાં ચાલુ વર્ષે કુલ 95.51% ટકા વાવેતર નોંધાયું છે. કુલ 84,48,297 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં પણ સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. મગફળીનું કુલ 20,65,316 હેક્ટરમાં વાવેતર થયું છે. આ સિવાય રાજ્યમાં કપાસનું 22,77,104 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે ધાન્ય પાકોનું કુલ 13,47,54 હેક્ટરમાં, તો કઠોળનું 4,36,378 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમજ તેલીબિયાંનું 120.65% વાવેતર નોંધાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.