અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. જોકે હવે સિસ્ટમથી થોડી દૂર જવા સાથે ફરી એકવાર દિશા બદલી 6 નવેમ્બરની રાત અથવા 7મીની વહેલી સવારે દીવ-દ્વારકાના દરિયાકાંઠા વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. સંભવત મંગળવારે ફરી પાછી આ સિસ્ટમ રિકર્વ થઇ ગુજરાત નજીક પહોંચશે ત્યારે વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. હજુ આજે વાદળછાયો માહોલ રહ્યા બાદ મંગળવારથી વરસાદી ગતિવિધિ શરૂ થશે. ઓમાન તરફ ગયેલું મહા વાવાઝોડું પાછુ ફંટાવાને પગલે અને દક્ષિણ ગુજરાતમાં તેની અસરને જોતા સુરત મહાનગર પાલિકા દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાનાં જણાવ્યા પ્રમાણે સાવચેતીને પગલે શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી 53 જેટલાં હોર્ડિંગ્સ અને જાહેરાત બોર્ડ કાઢી લેવાયા છે. જેથી કરી ભારે પવન ફૂંકાવાના સંજોગોમાં કોઈ દુર્ઘટના ન સર્જાય. ઉપરાંત સરથાણા નેચરપાર્કમાં પણ પવન અને વરસાદથી બચવા માટે વિવિધ ઉપાયોગ કરવામાં આવ્યા છે. આપત્તિનાં સમયે લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.