મહેરબાની કરી કોઈ ધારાસભ્યએ સરકારને સવાલ પૂછવો નહીં : ભાજપ

– પ્રશ્નોતરી રદ કરી લોકશાહીનું ખૂન કરી રહેલી સરકારઃપરેશ ધાનાણી

ગુજરાત સરકારે ૨૧મી સપ્ટેમ્બરથી ૨૫મી સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસ માટે ચોમાસું સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. આ સત્રમાં ગુજરાત સરકારને ગુજરાતના વિપક્ષના સભ્યોએ કોઈ જ સવાલ પૂછવા નહિ તેવો નિર્ણય ગુજરાત સરકારે કરી લીધો છે. તેના ભાગરૂપે પ્રશ્નોત્તરી કાળ કાઢી નાખવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભાની તવારીખમાં પહેલીવાર પ્રશ્નોત્તરી કાળ રદ કરવામાં આવ્યો છે.  વિધાનસભાના સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શોકાંજલિ આપવામાં આવશે.બીજા દિવસથી વિધાનસભામાં આ સત્રમાં ૨૪ જેટલા વિધેયક મંજૂર કરાવવામાં આવશે. સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે અને દરેકનો કોરોના ટેસ્ટ કરીને પછી જ વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવશે.

પ્રશ્નોત્તરી કાળ કાઢી નાખવામાં આવતા એવોે મેસેજ જઈ રહ્યો છે કે ગુજરાતની ભાજપ સરકારને કોઈએ કોઈપણ જાતના સવાલો કરવા નહિ. માત્ર એક અઠવાડિયા દરમિયાન બનેલી ઘટનાઓ અંગે ૧૧૬ની નોટિસ આપીને ચર્ચા યોજવાની છૂટ આપવામાં આવી છે. ૧૧૬ની નોટિસ હેઠળ છેલ્લા અઠવાડિયામાં બનેલી ઘટનાઓ અંગે ચર્ચા થતી હોય છે.

આ સંજોગોમાં વડોદરામાં સયાજીરાવ હોસ્પિટલમાં લાગેલી આગ માટે જવાબદાર પરિબળ જેવી ઘટનાની ચર્ચા પણ કરવાનો સરકારે અવકાશ રાખ્યો નથી. પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવાનો પૂરતો અવકાશ આપવાની માગણી કરતાં વિપક્ષના ેનેતાએ લખેલા પત્રની સરકારે કાસ કોઈ નોંધ લીધી નથી કે પ્રતિભાવ આપ્યોજ નથી.

૨૧મી સપ્ટેમ્બરથી શરૂ થનારા આ સત્રના પ્રથમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શોકાંજલિ આપવા ઉપરાંત ખાસ કોઈ કામગીરી થવાની શક્યતા નથી. ત્યારબાદ કોરોનાના આ કાળમાં ચાર દિવસ સુધી ગુજરાત વિધાનસભાનું સત્ર ચલાવવામાં આવશે. પરંતુ આ કાળમાં કોઈપણ વિધાનસભ્ય સરકારને કોઈપણ સવાલ પૂછી શકશે નહિ. આ અંગે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યુ ંહતું કે પ્રશ્નોત્તરી કાળ રદ કરીને ગુજરાતની ભાજપ સરકારે લોકશાહીનું ખૂન કર્યું છે.

આ મુદ્દે મેં ગુજરાત સરકારને પત્ર પણ લખ્યો છે. પત્રમાં પ્રશ્નોત્તરી કાળ ચાલુ રાખવાની માગણી કરવામાં આવી છે. આમેય સરકાર વિધાનસભાના સત્રના દિવસો ઘણાં વરસોથી સતત ઘટાડતી આવી છે. પ્રશ્નાત્તરી કાળ રદ કરતાં પૂર્વે ગુજરાતની ભાજપ સરકારે વિરોધ પક્ષ સાથે ચર્ચા કરીને વિશ્વાસમાં લેવાની ચેષ્ટા પણ કરી નથી. બહુમતિના જોરે સરકાર આપખુદ નિર્ણયો લઈ રહી છે. લોકશાહીના અવાજને સરકાર ગૂંગળાવી ેદવાનો પ્રયાસ કરી રહી છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલુ રાખવામાં આવે તો તેની અસર હેઠળ કોરનાના દર્દીઓની સારસંભાળ રાખવાની કામગીરી પર પડી શકે છે. વિધાનસભામાં પાંચ પચ્ચીસ સવાલો પૂછાય તે માટે દરેક ડિપાર્ટમેન્ટ અને વિભાગના અધિકારીઓને તેમાં જોતરવા પડે છે.

તેની સીધી અસર સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને રાહત પહોંચાડવા માટે કરવામાં આવતી કામગીરી પર પડી શકે છે. તેથી આ વખતે પ્રશ્નોત્તરી કાળ રદ કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.