મેજર ધ્યાન ચંદને ભારત રત્ન આપવા ભૂતપૂર્વ હોકી ખેલાડીઓની માગણી

 લેજન્ડરી હોકી ખેલાડી મેજર ધ્યાન ચંદને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાની માગણી ભૂતપૂર્વ અને વર્તમાન હોકી ખેલાડીઓએ કરી હતી. મેજર ધ્યાન ચંદની ૧૧૫મી જન્મ જયંતિ તારીખ ૨૯મી ઓગસ્ટના રોજ આવી રહી છે. ભારત સરકાર મેજર ધ્યાન ચંદના જન્મદિનને રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવે છે, ત્યારે તેમને દેશના નાગરિકને અપાતો સર્વોચ્ચ એવોર્ડ – ભારત રત્ન એનાયત કરવાની જરુર છે તેવો મત તેમના પુત્ર અશોક કુમાર સહિત ગુરબક્ષ સિંઘ તેમજ હરબિંદર સિંઘ અને યુવરાજ વાલ્મિકિ જેવા ખેલાડીઓએ કરી હતી.

ગત વર્ષે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઇના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી, અભિનેતા બાબાશાન મોહંતી અને રાચેેલ વ્હાઈટે ભેગા મળીને મેજર ધ્યાન ચંદને ભારત રત્ન આપવાની માગ સાથે ડિજિટલ કેમ્પેઈન શરૃ કર્યું હતુ. જે અંતર્ગત યોજાયેલી વર્ચ્યુઅલ ચર્ચામાં ફરી આ માગનું પુનરાવર્તન કરવામા આવ્યું હતુ.

૮૫ વર્ષના ગુરબક્ષ સિંઘે કહ્યું કે, અમારા માટે તો ધ્યાન ચંદ ભગવાન સમાન છે. અમે ભાગ્યશાળી રહ્યા કે, તેમની સાથે પૂર્વ આફ્રિકા અને યુરોપના એક મહિનાનો પ્રવાસ ખેડવાની અમને તક મળી હતી. તેમના જેવો સરળ સ્વભાવનો વ્યક્તિ અને મહાન ખેલાડી શોધ્યો ય ના જડે. તેઓમાં હોકી ખેલાડીના ગુણો જન્મજાત હતા. તેમના જેવો કોઈ ખેલાડી હજુ પાક્યો નથી.

હરબિંદર સિંઘે કહ્યું કે, અમે તેમને દાદા કહેતા. તેમના માટે અમને ખૂબ જ આદર હતો. હું ૧૦૦ મીટરની દોડ ૧૦.૮ સેકન્ડમાં પુરી કરતો. મારી ઝડપ મારું જમા પાસું હતુ. તેમણે મને સલાહ આપી હતી કે, મારે બોલને મારી આગળ રાખવો જોઈએ. જોકે તે માટેે કન્ટ્રોલિંગ ખુબ જ જરૃરી છે. મેં તેમના ગુરુ મંત્રને આત્મસાત્ કરવા માટે સખત મહેનત કરી હતી.

ધ્યાન ચંદના પુત્ર અને અર્જુન એવોર્ડ વિજેતા હોકી ખેલાડી અશોક કુમારે કહ્યું કે, તેઓ મને અને મારા ભાઈને હોકી રમતાં અટકાવતા. અમને ઘણી મોડી ખબર પડી કે, હોકીમાં નાણાંકીય પ્રોત્સાહનોનો અભાવ હોય છે. તે કારણે તેઓ અમને હોકી રમતાં અટકાવતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.