વિધાનસભાની ચૂંટણી પહેલા બાયડ વિધાનસભા ક્ષેત્રમાં રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માલપુર ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં મોરબીની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
માલપુર માર્કેટયાર્ડ ખાતે બાયડ-માલપુરના ધારાસભ્ય જસુભાઈ પટેલ દ્વારા યોજાયેલા સ્નેહમિલન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બાયડ અને માલપુર મત વિસ્તારના લગભગ બે હજાર જેટલા સમર્થકો એકઠા થયા હતા. કાર્યક્રમ શરૂ થાય એ અગાઉ ઉપસ્થિત સૌ કોઈએ ગઈકાલની મોરબી હોનારતમાં ભોગ બનેલા મૃતાત્માઓને બે મિનિટ મૌન પાડી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તમામના આત્માને શાંતિ મળે એ માટે ધારાસભ્ય સહિત તમામે શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ધારાસભ્ય જસુભાઈ અને એકબીજાને નવું વર્ષ સુખમય અને પ્રગતિમાન બને એ માટે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. એક તરફ વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે, ત્યારે આવા સ્નેહમિલન કાર્યક્રમોની ખાસ નોંધ લેવાતી હોય છે.
ધારાસભ્ય જશુ પટેલ છેલ્લા ઘણાં દિવસથી નારાજ ચાલી રહ્યા હતા ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમ થકી કહી શકાય કે, આ એક શક્તિ પ્રદર્શન છે. છેલ્લા ઘણાં સમયથી મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાતા બાયડ વિધાનસભા બેઠક પર તેઓ ચૂંટણી લડી શકે છે તેવી અટકળો વચ્ચે વર્તમાન ધારાસભ્ય જશુ પટેલ નારાજ ચાલતા હતા ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યમાં આગેવાનો જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.