મમતા બેનરજી નો આક્ષેપ, અમારાં 75 ટકા વિદ્યાર્થીઓ JEE પરીક્ષામાં બેસી ન શક્યા

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એવો આક્ષેપ કર્યો હતો કે કોરોનાના કારણે અમારા 75 ટકા વિદ્યાર્થીઓ JEE -NEET ની પરીક્ષામાં બેસી શક્યાં નહીં. અમે કેન્દ્ર સરકારને આ પરીક્ષા મોકૂફ રાખવાની વિનંતી વારંવાર કરી હતી પરંતુ કેન્દ્ર સરકાર જિદે ભરાણી હતી. અમારી વિનંતી કેન્દ્ર સરકારે કાને ધરી નહીં.

મમતાએ કેન્દ્ર સરકારને ‘અહંકારી’ અને જિદ્દી ગણાવી હતી અને એવો આક્ષેપ પણ કર્યો હતો કે અન્ય રાજ્યોમાં પણ માંડ પચાસ ટકા વિદ્યાર્થીઓ JEE -NEETની પરીક્ષા આપી શક્યા હતા એવી માહિતી મને અન્ય રાજ્યો તરફથી મળી હતી. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટે ભલે આ પરીક્ષા લેવાની સૂચના આપી હોય, તમે ફેરવિચાર કરો અને વિદ્ય્રાર્થીઓની તકલીફને ધ્યાનમાં લો. પરંતુ કેન્દ્ર સરકારે ધાર્યું કર્યું. અમારી કે અન્ય રાજ્યોની વિનંતીને ધ્યાનમાં લીધી નહીં. JEE -NEETની પરીક્ષા નહીં આપી શકેલા અમારા હજારો વિદ્યાર્થીઓ હતાશા અનુભવી રહ્યાં હતાં.

મમતાએ એવો દાવો કર્યો હતો કે અમે કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ વ્યવસ્થા કરી હતી પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શક્યા નહીં. રાજ્યમાં JEE -NEET માટે કુલ 4,652 વિદ્યાર્થી પરીક્ષા આપવાના હતા. એમાંથી માત્ર 1167 એટલે કે ફક્ત પચીસ ટકા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શક્યાં. બાકીના 75 ટકા નિરાશ તયા. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અમારી એક પણ વાત ધ્યાનમાં લીધી નહીં એવો આક્ષેપ પણ મમતાએ કર્યો હતો.

તેમણે કહ્યું કે સરકાર થોડા સમય માટે આ પરીક્ષાઓ મોકૂફ રાખી શકી હોત. એમાં કોઇનું કશું બગડી જવાનું નહોતું. પરંતુ કેન્દ્રને પોતાનો અહં આડો આવ્યો.  એ અહંના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ રોળાઇ ગયું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.