રખડતા ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત ; 5થી 20 હજાર દંડ જાણો વિગતવાર

રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાની સમસ્યાના ઉકેલ માટે હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31મી માર્ચે વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે.અને આ મુદ્દે રાજકોટમાં માલધારી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી કહ્યું હતું કે,રખડતા ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા કરી વિધાનસભામાં બિલ પસાર કરો. અને વૈકલ્પિક વ્યવસ્થા પૂર્ણ થયા બાદ જ સરકાર દ્વારા કાયદો અમલમાં લાવવામાં આવે.

શહેરી વિસ્તારોમાં ગમે ત્યાં ઘાસનું વેચાણ થઇ શકશે નહીં. સત્તામંડળ દ્વારા નક્કી કરાયેલા શહેરી ગોચર વિસ્તારોમાં જ ઘાસચારાનું વેચાણ થઇ શકશે.અને બિલની જોગવાઇ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો પ્રથમવાર 10થી 50 હજાર સુધીનો દંડ અને બીજીવારના ગુનામાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે.

શહેરી વિસ્તારોમાં ઢોર રાખવાના લાઈસન્સ આપ્યા બાદ તે ઢોરને ટેગ લગાવવી પડશે. અને આવી ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજીવખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ લેવાની સાથે માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલીને ઢોર માલિકને પરત અપાશે.

ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હૂમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની સજાની જોગવાઇ કરાઇ છે. અને બીજીવખત આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધીની કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ થશે

બિલમાં ઢોરના મૃતદેહના નિકાલ માટેની વ્યવસ્થા પણ સૂચિત કરાઇ છે. મહાપાલિકા દ્વારા ઢોરના મૃતદેહને બાળવા કે દફનાવવા માટેની જગ્યા નિયત કરવાની રહેશે. અને મૃતદેહને બાળવા માટે સ્મશાનગૃહ (ઇન્સીનરેટર) નક્કી કરાશે. ઢોરના મૃતદેહના ઉપયોગ માટેનો પ્લાન્ટ ઉભો કરવા વિસ્તારો નિયત કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.