દેશમાં મંદીથી ઉદ્યોગોના ઉત્પાદનના નિરાશાજનક આંકડા સામે આવવાની હારમાળા અટકવાનું નામ નથી લઇ રહી. સરકારની આંકડા મંત્રાલયે તેમની વેબ સાઈટ ઉપર ઉદ્યોગ દીઠ વૃદ્ધિના ઓગસ્ટ સુધીના આંકડા રજુ કર્યા હતા. તે આંકડાઓને જો ગત વર્ષના આંકડા સાથે સરખાવામાં આવે તો જણાય છે કે 23 માંથી 15 મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો ઉંધા માથે પછડાયા છે.
ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા આંક (ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઈન્ડેક્સ) 7 વર્ષના તળિયે પહોંચી ગયો છે અને 2 વર્ષ પછી પહેલી વખત માઇનસમાં પહોંચ્યો છે. દેશમાં પહેલેથી ચાલી રહેલી આર્થિક મંદીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર, કેપિટલ ગુડ્સ એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાં ભારે ઘસારો આવ્યો છે જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલાં ડેટા મુજબ દેશનો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઈન્ડેક્સ ઓગસ્ટ મહિનામાં -1.1% થયો છે. આ ઇન્ડેક્સ જુલાઈ મહિનામાં +4.6% હતો અને ગયા વર્ષે આ મહિનામાં +4.8% હતો.
આ પ્રકારનો કડાકો છેલ્લે નવેમ્બર 2012માં નોંધાયો હતો જયારે આ ઈન્ડેક્સ -1.7% થઇ ગયો હતો.
ઓટો સેક્ટરનું ચિંતાજનક પ્રદર્શન આ ઇન્ડેક્સ પાછળ કારણભૂત
ઓટો સેકટરના વેચાણમાં છેલ્લા 11 મહિનાથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 2 વ્હીલરના વેચાણમાં 22%, પેસેન્જર વાહનોના વેચાણમાં 24% અને કૉમર્શિયલ વાહનોના વેચાણમાં જંગી 39%નો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ઓટો સેક્ટરના જીએસટી કલેક્શનમાં પણ સપ્ટેમ્બર મહિનામાં 3500 કરોડનો ઘટાડો નોંધાયો છે.
દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આરબીઆઇએ પણ 2019-20માં વૃદ્ધિનો અંદાજો 6.8% થી ઘટાડીને 6.1% ઉપર લાવી દીધો છે. સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડવા જેવા પગલાંઓની મદદથી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે કમર કસી છે.
અલગ અલગ સેક્ટરોનો ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઇન્ડેક્સમાં નોંધાયેલો ઘટાડો આ મુજબ છે
દેશમાં હાલ 23 મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ માંથી 15 મેન્યુફેક્ચરીંગ ગ્રુપના આઉટપુટમાં આ ઓગસ્ટમાં તેમના ગયા વર્ષના આઉટપુટની સરખામણીમાં ઘટાડો નોંધાયો છે.
અર્થશાસ્ત્રીઓના મતે ડિસેમ્બર મહિનામાં જયારે સરકાર પોતાની આર્થિક નીતિઓ ફરીથી ચકાસશે ત્યારે આ આંકડાઓ સરકારને હજુ ટેક્સ કટ્સ અને રેટ કટ્સ કરવા માટે પ્રેરી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારે અર્થતંત્રને વેગ આપવા સતત પાંચમી વખત રેટ કટ્સ મુક્યા છે. આ કારણો અને કોર્પોરેટ ટેક્સના ઘટાડાના પગલે ગ્રાહકોની માંગમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે.
તહેવારની ઋતુ અને વરસાદ બનશે મદદરૂપ
એક નિષ્ણાતે પોતાનો મત આપતાં જણાવ્યું હતું કે દિવાળીના પગલે ફરી એક વખત બજારોમાં હલચલ જોવા મળશે જે અર્થતંત્રમાટે ફાયદા કારક રહેશે. આ ઉપરાંત આ વર્ષાઋતુમાં વરસાદ સારો હોવાથી ગામડાઓમાં ખેડૂતોનો પાક સારો થવાથી ગ્રામ્યસ્તરે માંગમાં વધારો જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.