રાજકોટ: શહેરના ડો. યાજ્ઞિક રોડ ઉપર એક બાઈક પરથી પડી ગયેલી બેગમાંથી દારૂની બોટલો લઈ લોકો ભાગતા હોય તેવો એક વીડીયો વાયરલ થયા બાદ એ.ડીવીઝન પોલીસે તપાસનાં અંતે આ દારૂ ભરેલી બેગ લઈ જનાર એસટી ડ્રાયવર અલ્તાબ બોદુભાઈ હોથી (ઉ.વ. 41, રહે, ભોમેશ્વર પ્લોટ, શેરી નંબર 6/14 કોર્નર, રેલ્વે ફાટક સામે)ને ઝડપી લીધો હતો.
ડો.યાજ્ઞિક રોડ પરનાં સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યું પાસે બેગમાંથી દારૂની બોટલો અને ચપલા લઈ લોકો ભાગતા હોય તેવો વીડીયો વાયરલ થયો હતો જેથી એ.ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફુટેજ ચેક કરતા એક બાઈકમાંથી આ દારૂ ભરેલો થેલો પડી ગયાનું દેખાયું હતું, જેથી બાઈક નંબર મેળવી તેના આધારે એસટી ચાલક અલ્તાબને ઝડપી લીધો હતો અને તે જયારે પકડાયો ત્યારે નશાખોર હાલતમાં હોવાથી પોલીસે પ્રોહીબીશનનો અલગથી ગુનો નોંધ્યો હતો.
તેની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, તે રાજકોટ નાથદ્વારા રૂટની એસટી બસમાં ડ્રાયવર છે. રાજસ્થાનથી તે દારૂની બોટલો અને ચપલા લઈ આજે સવારે જ રાજકોટ આવ્યો હતો અને બાદમાં બાઈક લઈ ઘરે જતો હતો ત્યારે સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે તેના બાઈકમાંથી દારૂ ભરેલો થેલો પડી ગયો હતો અને તે થેલો લેવા જતો હતો એવામાં ત્યાં લોકો ભેગા થઈ ગયા હતાં. આ વખતે તે નશાખોર હાલતમાં હોવાથી ડર લાગતા દારૂ ભરેલો થેલો લીધા વગર ઘરે જતો રહ્યો હતો જેમાં પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ફુટેજમાં જે પણ દારૂની બોટલો લઈને ભાગતા દેખાય છે તે તમામની પણ ઓળખ મેળવી ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરાઈ છે. રાજયમાં આ ઘટનાથી નશાબંધીની પોલ વધુ એક વખત ખુલી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.