મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળી એન. બિરેન સિંહની સરકાર પર સંકટના વાદળ છવાયા છે. ભાજપના ત્રણ ધારાસભ્યોએ બુધવારે પાર્ટી છોડીને કોંગ્રેસનો છેડો પકડી લીધો છે જ્યારે નાયબ મુખ્યમંત્રી જોયકુમાર સિંહ અને અન્ય ત્રણ મંત્રીઓએ પણ રાજીનામુ આપી દીધું છે. તે સિવાય અપક્ષના એક ધારાસભ્યએ પણ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે.
ભાજપ સાથેનો છેડો ફાડીને કોંગ્રેસમાં સામેલ થનારા ધારાસભ્યોમાં એસ સુભાષચંદ્ર સિંહ, ટીટી હાઓકિપ અને સૈમુઅલ જેંદઈનો સમાવેશ થાય છે. તે સિવાય નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) તરફથી નાયબ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહ, મંત્રી એન કાયિસી, મંત્રી એલ જયંત કુમાર સિંહ અને લેતપાઓ હાઓકિપે રાજીનામુ આપી દીધું છે. જ્યારે ટીએમસીના ટી રોબિન્દ્રો સિંહ અને અપક્ષના ધારાસભ્ય શહાબુદ્દીને પણ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચ્યું છે.
મુખ્યમંત્રીને સોંપ્યો ત્યાગપત્ર
રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહને અલગ-અલગ સોંપવામાં આવેલા ત્યાગપત્રમાં નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ પોતે મણિપુરની ભાજપના નેતૃત્વવાળી સરકારના કેબિનેટ મંત્રીપદેથી રાજીનામુ આપે છે તેમ લખેલું હતું. જોયકુમાર સિંહે પણ પોતાનું સત્તાવાર રાજીનામુ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યું હોવાની પૃષ્ટિ કરી હતી.
જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલે એક બેઠક પણ યોજી છે. આ સંજોગોમાં કોંગ્રેસ ગુરૂવારે મણિપુરમાં સરકાર રચવા દાવો કરી શકે છે. જ્યારે બીજી બાજુ ભાજપ પણ અન્ય દળોના ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યું છે.
સત્તા માટેનું રાજકારણ
મણિપુરમાં ભાજપની સરકાર સંકટમાં મુકાઈ ગઈ છે. મણિપુરમાં એનડીએના ગઠબંધનને એનપીપીના ચાર ધારાસભ્યો, એનપીએફના ચાર ધારાસભ્યો અને અપક્ષ સહિત બે ધારાસભ્યોનું સમર્થન હતું. આમ મણિપુરમાં ભાજપને 32 ધારાસભ્યોનું સમર્થન મળેલું હતું.
હવે એનપીપીના 4, ટીએમસીના એક અને આઈએનડીના એક સદસ્યએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે અને ભાજપના ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ પાર્ટી પાસે પોતાના 18 ધારાસભ્યો બચ્યા છે. તેવામાં એનપીએફના 4 અને એલજેપીના એક ધારાસભ્ય મળીને ભાજપ 23 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી શકે છે. જ્યારે કોંગ્રેસ 34 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.