મનમોહનસિંહને ચા બનાવતા નથી આવડતી, મોદીને અથૅતંત્ર!

કોરોના મહામારીના નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને ટુંકમાં જીડીપી કહેવાય છે તેમાં ૭.૩ ટકાનું સંકોચન આવ્યુ છે એટલે કે નકારાત્મક વૃદ્ધિ નોંધાઇ છે. જીડીપી એ કોઇ દેશના અર્થતંત્રના વિકાસનો માપદંડ છે. વિકાસદરમાં આ સંકોચનને પરિપેક્ષ્યમાં સમજવા માટે યાદ રાખવુ જોઇએ કે ૧૯૯૦ના દાયકાની શરૂઆતથી લઇને દેશમાં મહામારી ફેલાવા સુધી ભારતમાં દર વર્ષે સરેરાશ ૭ ટકાના દરે વૃદ્ધિ થઇ છે.

જીડીપીમાં આ સંકોચનને સમજવા માટેની બે રીત છેઃ-
એક રીત એ છે કે તેને સંપૂર્ણ પ્રતિબિંબ તરીકે જોવું જોઇએ નહીં – છેવટે ભારત પણ વિશ્વના મોટાભાગના દેશોની જેમ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે અને તેને દૂર કરવા ઇચ્છે છે.આ સંદર્ભમાં જોઇએ તો જીડીપીના તાજેતરના આંકડાઓ સંપૂર્ણ પરિસ્થિતિ દર્શાવી રહ્યા નથી. તેના બદલે જો કોઇએ આંકડાઓના કેટલાંક મહત્વપૂર્ણ પરિબળો તરફ ધ્યાન આપ્યુ હોય તો, તે એ છે કે ભારતીય અર્થવ્યવસ્થા કોરોના મહામારી આવી તે પહેલા જ ખરડાઇ રહી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆતમાં રમૂજમાં એવું કહેતા હતા કે મનમોહન સિંહના હાર્વર્ડના નોલેજ સામે તેમનું હાર્ડવર્ક ભારે પડી રહ્યું છે. સાત વર્ષ પછી મોદીના હાર્ડવર્કના લેખાજોખાં થાય તો શું થાય?

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)
કેન્દ્ર સરકારની અપેક્ષાથી વિપરીત અર્થતંત્રમાં ૭ ટકાનું સંકોચન આવ્યુ છે, તે મોદી સરકારના શાસનકાળના ૭ વર્ષમાં ૫ વર્ષથી વધી રહેલી નબળાઇનો વિષય છે. વર્ષ ૨૦૦૮માં આવેલી વૈશ્વિક મંદી બાદ ભારતીય અર્થવ્યવસ્થાએ વર્ષ ૨૦૧૩થી રિકવરીની શરૂઆત કરી હતી, જે વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયુ તે અગાઉનું વર્ષ છે. જો કે આ રિકવરી વર્ષ ૨૦૧૬-૧૭ના ત્રીજા ક્વાર્ટરથી ધીમી પડવા લાગી અને તેનું કારણ હતું નવેમ્બર ૨૦૧૬માં જાહેર કરેલી અનપેક્ષિત નોટબંધી. આ નોટબંધીથી અર્થતંત્રમાં મંદીની શરૂઆત થઇ તેવું નિષ્ણાતો ગણાવી રહ્યા છે.

ડોલર v/s રૂપિયો
અમેરિકન ડોલર સામે સ્થાનિક ચલણનો વિનિયમ દર અર્થતંત્રની સાપેક્ષ શક્તિને જાણવા માટેનો એક મજબૂત માપદડં છે. વર્ષ ૨૦૧૪માં એક ડોલરનું મૂલ્ય ભારતીય ચલણમાં ૫૯ રૂપિયા હતુ જે સાત વર્ષમાં હાલ ૭૩ રૂપિયા થઇ ગયુ છે. રૂપિયાના મૂલ્યમાં નબળાઇ એ ભારતીય ચલણની ઘટી રહેલી ખરીદશક્તિને પ્રતિબિંબિત કરે છે.

બેરોજગારી દર                                                                                                          રોજગારી સર્જન મોરચે ભારતે સૌથી ખરાબ દેખાવ કર્યો છે. સરકારના સર્વે મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષની સૌથી ઉંચી સપાટીએ હતો, નોટબંધી અને જીએસટીના અમલીકરણ બાદ થયુ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં અહેવાલ આવ્યો કે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૯ દરમિયાન કામકાજ કરતા લોકોની સંખ્યા ૯૦ લાખ ઘટી છે, જે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કામકાજ કરતા લોકોની સંખ્યા ઘટી હોવાની પહેલી ઘટના છે. ભારતમાં બેરોજગારી દર ૨-૩ ટકાની વૃદ્ધિથી વિપરીત ૬થી ૭ ટકાના દરે વધવા લાગ્યો, અને કોરોના મહામારીથી પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઇ. કોરોના સંકટકાળમાં કરોડો લોકોએ નોકરી ગુમાવી અને સામે નવી રોજગારીઓનું સર્જન અત્યંત ઘટી જતા દેશમાં બેરોજગારીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.