મનોજ સિંહા બનશે જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, મુર્મૂના રાજીનામાનો સ્વીકાર

2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે મનોજ સિંહા મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ હતા

 

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિંહા હવે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળશે. ગિરીશ ચંદ્ર મુર્મૂએ બુધવારે સાંજે પોતાના ઉપરાજ્યપાલ તરીકેના પદેથી રાજીનામુ આપ્યું હતું અને આજે સવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી મનોજ સિંહાની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. 

ગઈકાલે 5મી ઓગષ્ટના રોજ જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદીને એક વર્ષ પૂર્ણ થયું છે અને આ બધા વચ્ચે બુધવારે સાંજે જ અચાનક મુર્મૂના રાજીનામાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્વારા પણ મુર્મૂના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે જ્યારે મનોજ સિંહાને નવા ઉપરાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તો તેનો અર્થ સ્પષ્ટ છે કે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં ઉચ્ચસ્થ પદે રાજકીય એન્ટ્રી થઈ છે. 

અગાઉ જમ્મુ કાશ્મીર જ્યારે પૂર્ણ રાજ્ય હતું ત્યારે સત્યપાલ મલિક ત્યાંના રાજ્યપાલ હતા પરંતુ જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તો અધિકારી જીસી મુર્મૂને મોકલવામાં આવ્યા. જીસી મુર્મૂની ગણતરી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અધિકારીઓમાં થતી આવી છે.

કોણ છે મનોજ સિંહા?

મનોજ સિંહા પૂર્વમાં ગાજીપુરના સાંસદ રહી ચુક્યા છે અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો દિગ્ગજ ચહેરો છે. જો કે 2019ની લોકસભા ચૂંટણી વખતે તેઓ હારી ગયા હતા અને તે એક મોટા આંચકા સમાન હતું. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મનોજ સિંહા મંત્રી રહી ચુક્યા છે તથા તેમના પાસે રેલવેના રાજ્યમંત્રી અને સંચાર રાજ્યમંત્રીનો કાર્યભાર હતો.

ઉત્તર પ્રદેશની 2017ની વિધાનસભા ચૂંટણી વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો હતો ત્યારે મનોજ સિંહા મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ હતા. તેઓ દિલ્હીથી વારાણસી પૂજા કરવા પહોંચી ગયા હતા અને તેમને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવાની આશા હતી પરંતુ પાર્ટીએ યોગી આદિત્યનાથને આગળ કર્યા હતા. મનોજ સિંહાની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ નેતાઓમાં થાય છે. આ સંજોગોમાં ફરી એક વખત કેન્દ્ર સરકાર તરફથી મનોજ સિંહાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.