બાળપણ એ જીવનનો એક એવો હિસ્સો છે જે વીતી ગયા પછી તેને યાદ કરવામાં કંઈક મજા જ છે. ચાલો તો ફરી એ બાળપણ અને સ્કૂલના દિવસો યાદ કરીએ.
રીસેસમાં સ્કૂલમાં કે આજુબાજુ મળતાં અલગ અલગ પ્રકારના નાસ્તાની મજા તો દરેકે દરેકે બાળપણમાં લીઘી જ હશે ખરું ને? ત્યારે આજના અંકમાં લોકો પાસેથી જાણીશું કે તેમને સ્કૂલ ટાઇમના કયા નાસ્તા આજે પણ મિસ થાય છે? ચાલો જાણીએ એમની જ પાસેથી….
લાઈનમાં ઊભા રહીને પણ સમોસા અને સેન્ડવિચ ખાતા જ હતા: કેશલ ઝવેરી -નવસારી
31 વર્ષીય કેશલ ઝવેરી જવેલરી ડીઝાઈનિંગના બિઝનેસ સાથે સંકળાયેલ છે. કેશલ ઝવેરી જણાવે છે કે, ‘‘હું નવસારીની કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો હતો એ સમયે કેમ્પસમાં વિકાસના સમોસા અને સેન્ડવિચ ખૂબ જ ફેમસ હતાં.
27 વર્ષીય લેખાબેન જણાવે છે કે, ‘‘હું બીલીમોરાની એલએમપી સ્કૂલમાં ભણતી. પ્રાઈમરી સ્કૂલમાં હતી ત્યારે સ્કૂલની બહાર રિસેસમાં ચણી બોર, ખટુમડાં, કમરક, જમરૂખ, આમલી જેવી અલગ અલગ પ્રકારની કેટલીય વસ્તુ મળતી. જે ફક્ત 1 કે 2 રૂપિયામાં મળતાં અને વળી જમરૂખના ચાર ભાગ કરી અંદર મીઠુંમરચું નાખી આપે.
42 વર્ષીય વિનોદભાઈ જણાવે છે કે, ‘‘હું સિંગણપોર ખાતેની સરકારી સ્કૂલમાં ભણતો હતો. એ સમયે તો એક કે બે રૂપિયાની ઘણી બધી વસ્તુઓ આવતી. એક રૂપિયો તો નાનીમોટી બંને રિસેસમાં ચાલતો. અમારી વખતે ચૂરણ જે સોનેરી કલરના રેપરમાં આવતું એક કોન જેવું જેને સ્ટ્રોની મદદથી ખાવાનું હોય. બીજું જે આજે હું ઘણી વાર શોધતો હોઉં એ છે એક કાકા ચ્યુઈંગમ જેવી ચોકલેટનો મોટો જથ્થો લઈ ઊભા રહેતા અને પછી તેમાંથી ચંપલ, ચકલી, ચકરડી જેવાં મસ્ત રમકડાં બનાવી આપતાં.
38 વર્ષીય સંજયભાઈ જણાવે છે કે મારી સ્કૂલની બહાર 50 પૈસાની દૂધવાળી કેન્ડી અને એક રૂપિયામાં બરફનો ગોળો મળતો. એમાં બરફના ગોળા પર તો કલર ચૂસી પાછો બે કે ત્રણ વાર નખાવતા. એ ગોળા ખાવાની જે મજા આવતી એ આજની 100 કે 200વાળી મોંઘી આઈસ ડિશમાં પણ નહીં આવે. જે મને આજે પણ મિસ થાય. બીજી ખાસ વસ્તુ યાદ આવતી હોય તો તે છે એક રૂપિયાના ચાર જાંબલી કલરના ચોકલેટના ગોળા આવતા.
એક રૂપિયામાં બટાકા ભૂંગળાનો સ્વાદ આજે પણ મિસ થાય : પારુલ તરસરિયા
પારુલ તરસરિયા જણાવે છે કે, ‘‘હું કતારગામની નગર પ્રાથમિક શાળામાં ભણતી હતી. હું ફક્ત શનિવારે જ નાસ્તા માટેના પૈસા લઇ જતી. જેમાં સ્કૂલની બહાર ચમચમ, ખાટીમીઠી આમલી, આઈસ્ક્રીમની ચમચીમાં આમલી મળતી, દિલવાળા બીસ્કિટ જેની ઉપર અલગ અલગ કલરનું એકદમ કડક ક્રીમ હોય એવાં બીસ્કિટ મળતાં અને ઇનામવાળી ચોકલેટ મળતી જેમાં અંદર કાગળ પર 1રૂ, 2 રૂ એવું દોરેલું આવતું. જેટલા પૈસા દોરેલા હોય એટલા દુકાનવાળા સામેથી પૈસા આપતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.