માતા દુર્ગાદેવી નમો નમઃ નવરાત્રિ ભક્તિ અને શક્તિનું પર્વ

મા જગદંબાની આરાધના દ્વારા મા મય રહીએ તો એમાની જે ચિન્મયી શક્તિ છે, તેનો જ પ્રકાશ આપણા હૃદય મંદિરને અજવાળે છે અને સંસારમાના ત્રિવિદ્ય તાપોથી તે આપણું રક્ષણ કરે છે.

વદ્યાય દુષ્ટ દૈત્યાનાં તથા શન્ભનિર્શુમ્ભય ।

રક્ષણાયમ લોકાનાં દેવાનામ્ ઉપકારિણી ।।

દુષ્ટ દૈત્યોનો વધ કરી નાશ કરવાવાળી, લોકોનું રક્ષણ કરનારી મા દૂર્ગા મહારાણી પ્રતિવર્ષ આસો સુદ એકમથી પધરામણી કરે છે. શ્રી દુર્ગાદેવી મહિષાસુર રાક્ષસ જોડે યુધ્ધ કરીને તેના પર વિજય મેળવ્યો. ધરતી પરનાં વધેલા પાપો તો નાશ કરીને દેવીએ સદાય પોતાના ભક્તોનું રક્ષણ કર્યું છે. આવી દેવી દુર્ગાની અવિરત કૃપાથી કોણ અજાણ છે ? આવી માતા દેવીની તારક અને મારક ઉપાસનાનો વિશિષ્ઠ કાળ એટલે નવરાત્રિ પ્રચંડ ઊર્જા અને શક્તિની આરાધનાના આ નવરાત્રિના પર્વ દરમિયાન અનેક માઇભક્તો અને સાધકોમા દુર્ગા સપ્તશતિ એટલે કે શક્રાદયનાં પાઠનું અનુષ્ઠાનપૂર્વક પઠન કરવાની પરંપરા ચાલી આવે છે. ભગવતી મહામાયાના અનેક સ્વરૂપો છે, આમાં એમના મનમોહક રૂપોમાનું એક વર્ણન અત્યંત ઉલ્લેખનીય છે.

ચિત્તેકૃપા, સમરનિષ્ઠુતા ય દ્રષ્ટા ।

અર્થાત દેવીમાતાના ચિત્માં પોતાના વ્હાલા બાળકો પ્રત્યે અત્યંત કૃપા અને કરુણા ધરાવે છે. પરંતુ આ માતા યુધ્ધ ભૂમિમાં અત્યંત નિષ્ઠુર છે. એટલે કે અગ્નિની પ્રખર જ્વાળા જેવું તેનું ભયાવહ રૂપ આસુરો, રાક્ષસોને ભયભીત કરે છે. દસ હસ્તોમા દસ શસ્ત્ર ધારણ કરનારી જગતજનની દુર્ગામાને રુદ્રની સંહાર શક્તિ માનવામાં આવે છે.

નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનું મંગલમય મહાપર્વ ।

ભારતીય સંસ્કૃતિમાં શક્તિ પૂજાની આગવી અને ઉજ્જવળ પરંપરા રહી છે. નવરાત્રિનાં આ વિશિષ્ઠ પાવનકારી પર્વમાં શક્તિસ્વરૂપ મા જગદંબાની આરાધના, ઉપાસના ભક્તિ શ્રધ્ધા ધરાવનાર ભાવિકો અવશ્ય કરે છે.

આ મહાપર્વની ઉજવણી અને ઉપાસના પાછળ તો મુખ્ય ભાવ મા ભગવતી જગદંબાની પૂર્ણ અસીમકૃપા થકી સુખ-શાંતિ સમૃધ્ધિ, સ્વાસ્થ્ય, ઐશ્વર્યની પ્રાપ્તિનો હોય છે.

સર્વ ધર્મ-બધા જ સંપ્રદાયની માન્યતા અનુસાર ભલે શક્તિ સ્વરુપ, કુળસ્વરૂપે યાદ કરાતા હોય, છતાં આસોમાં મૂળભૂત રીતે શક્તિ તત્ત્વ તો એક જ છે. અને આ શક્તિત્વ જ નવરાત્રિની ઉપાસનામા ઉચ્ચ શ્રધ્ધાનું કેન્દ્ર બની જાય છે ઃ આના માટે એક ઉક્તિ છે, ‘શ્રધ્ધાવાન લભતે ફલમ્’ એટલે કે કોઈ પણ દેવીત્ત્વની હૃદય અંતઃકરણનાં શુધ્ધભાવથી થયેલી આરાધના પૂજા અર્ચના અવશ્ય ફળદાયી બનતી હોય છે.

સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને જ્યાં જ્યાં ભારતીયો વસે છે. ત્યાં નવરાત્રિના નવદિવસો, માના ગુરબાને આરતી ઉતારીને ઉજવવામાં આવે છે. આ આદ્યશક્તિની મંત્રજાપ, ન્યાસ પૂજા, આઠમનાં હોમહવન, રહસ્ય સ્તોત્રો અને સહસ્ત્ર નામથી આરાધના થાય છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ નિરાકાર અને સાકાર રૂપે મા જગદંબાના મહિમાનું ગાન અને સ્તુતિ જોવા મળે છે. અહીં એમની ચિન્મય અને પરમશક્તિ સ્વરુપે થઇ છે. જેમાં કઠોર અને કોમળ એમ બંને પ્રકારનાં ભાવોનાં દૈવી દર્શન થાય છે. અસુરોનાં સંહાર કરતી વખતે માએ રૌદ્રભાવ પ્રકટ કર્યો છે. ત્યારે એજ મા જગદંબા અતિ કોમળ બનીને સમગ્ર સૃષ્ટિ માટે કલ્યાણકારી અને શક્તિદાતા પણ બનીને રહે છે.

નવરાત્રિનાં દિવસોમાં વિનમ્રભાવે શ્રધ્ધાપૂર્વક મા જગદંબાની આરાધના દ્વારા મા મય રહીએ તો એમાની જે ચિન્મયી શક્તિ છે, તેનો જ પ્રકાશ આપણા હૃદય મંદિરને અજવાળે છે અને સંસારમાના ત્રિવિદ્ય તાપોથી તે આપણું રક્ષણ કરે છે.

‘યા દેવી સર્વભૂતેષુ માતૃરુપૈણ સંસ્થિતા ।

નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.