સુરતઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દિવાળી ટાળે વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
નવસારી જલાલપોર વિસ્તારમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયા બાદ મોડી સાંજે વરસાદી છાંટણા થયા હતા. જોકે, જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં બપોરે 2થી સાંજે 6 વાગ્યા દરમિયાન સામી દિવાળીએ નોંધનીય, સારો વરસાદ ઝીંકાયો હતો. ચીખલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ સારો પાક થવાની આશાએ ડાંગર ની ખેતી કરી હતી ત્યારે ડાંગરનો પાક તૈયાર પણ થઈ ગયો હતો. જેનાથી ચાલુ વર્ષે સારા નફાની ખેડૂતોને આશા જાગી હતી પરંતુ અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેનાથી ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે બીલીમોરામાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના વઘઈમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દિવાળી ટાણે દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદને કારણે કલાકો સુધી દુકાનોમાં જ રોકાવા મજબૂર બન્યા હતા. દિવાળીના ફટાકડા અને દિવાળીનો રંગોળી અને સજાવટનો સામાન વેચવા માટે જાહેર માર્ગ પર બેસેલા લારી અને પાથરણાવાળા શ્રમજીવીઓ પણ માલ બચાવવા માટે અટવાતા જોવાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.