ગુજરાતના આટલા વિસ્તારોમાં સતત 4 દિવસ સુધી વરસાદ ખાબકશે હવામાન વિભાગની આગાહી….

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની જો વિગતે વાત કરીએ તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે અને જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે.

અત્રે જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે અને રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં વરસાદે સુરત જિલ્લામાં તોફાની બેટિંગ કરી છે જેમાં સુરત જિલ્લાના કામરેજમાં સવારથી લઇને અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે કામરેજની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાઇ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને જ્યારે કેટલાંક વાહનો પણ બંધ પડી ગયા હતા.

વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચઢ્યા હતા અને બપોર બાદ વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ વાપી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને બાદમાં ધોધમાર વરસાદથી વાપીના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.