મહામારીમાં ફરજ બજાવેલ મહારાષ્ટ્રના કોરોનાબાધિત શિક્ષકોને સારવારનું વળતર મળશે

મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષક તથા શિક્ષકેત્તર કર્મચારીઓને કોવિડની સારવાર માટે કરાયેલ ખર્ચનું વળતર મળશે.આ વિષયે સરકારી નિર્ણય જાહેર કરાયો છે. માર્ચ મહિનાથી સર્વત્ર ફેલાયેલ કોવિડના પ્રાદુર્ભાવ વચ્ચે પણ શિક્ષકો, શિક્ષકેત્તર કર્મચરારીઓએ કોરોના યોદ્ધા તરીકે પોતાનું કર્તવ્ય બજાવ્યું હતું.

ઘરે ઘરે જઈ સંસર્ગગ્રસ્ત લોકોની શોધ કરવી, કોરોના સેન્ટરમાં ડયુટી બજાવવી જેવા અનેક કામો શિક્ષકોને સોંપાયા હતાં. જોકે એ દરમ્યાન અનેક શિક્ષક, શિક્ષકેત્તર કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતાં. જેની સારવાર માટે તેમને લાખોનો ખર્ચ કરવો પડયો હતો. કેટલાંક શિક્ષકોએ તો જીવ પણ ગુમાવ્યો છે.

આ બાબતે શિક્ષક સંગઠનોએ મેડિકલ વળતરની યાદીમાં કોવિડ૧૯નો સમાવેશ કરવા બાબતે માગણી કરી હતી. તે અનુસાર આરોગ્ય વિભાગે સરકારી નિર્ણય જાહેર કરી શિક્ષકોને પણ કોરોના સારવારનો ખર્ચ મળશે. આ નિર્ણય બીજી સપ્ટેમ્બર, ૨૦૨૦થી પૂર્વલક્ષી પ્રભાવે લાગુ રહેશે. દરમ્યાન માર્ચ ૨૦૨૦થી આ નિર્ણયની અમલ બજાવણીની માગ શિક્ષક વિધાનસભ્ય કપિલ પાટીલ કરી રહ્યા હતાં. શિક્ષકોને મળનારી આ સહાયથી મુંબઈના શિક્ષક સંગઠનોએ સરકાર તથા આરોગ્ય વિભાગનો આભાર માન્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.