– મુંબઈમાં 6ના મોત, નવા 1511 દર્દી નોંધાતાં દરદીની સંખ્યા વધીને 79000થી વધુ
મહારાષ્ટ્રમાં કોરોનાના વાઇરસનો રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે. આથી મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં પડી ગઈ છે. કોરોના કહેરથી જનતામાં હાહાકાર મચી ગયો છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૯૮ દરદીએ જીવન ગુમાવ્યો હતો અને કોરોનાના નવા ૫૫૩૭ કેસ નોંધાયા હતા. પરિણામે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને ૧,૮૦૨૯૮ ઉપર પહોંચી છે અને મૃત્યુઆંક ૮૦૫૩ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓ સાજા થવાનું પ્રમાણ ૫૧.૬૭ ટકા છે. એટલે કે અત્યાર સુધી ૯૩ હજારથી વધુ કોરોના મુક્ત થયા છે, એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવવાનું નામ જ લેતી નથી. તમામ સરકાર નિયંત્રણને સફળતા મળતી નથી. મુંબઈમાં આજે છ દરદીના મોત થયા હતા અને કોરોનાના નવા ૧૫૧૧ દરદી નોંધાયા હતા. આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૯,૧૫૪ થઈ છે. જ્યારે મરણાંક ૪૬૩૧ થયો છે. જોકે મુંબઈમાં આજે પાલિકાએ મૃતકનો આંકડો ૭૫ બતાવ્યો હતો. એમાં ચોવીસ કલાક દરમિયાન છના મોત થયા હતા. જ્યારે બાકીના ૬૯ના મોત ચોવીસ કલાક પહેલાના આંકડા છેે.
આ સિવાય મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં થાણેમાં ૩૯,૩૧૬, પુણેમાં ૨૩,૩૧૭, પાલઘરમાં ૬૦૬૪, ઔરંગાબાદમાં ૫૬૬૧, રાયગઢમાં ૪૫૬૩, નાશિકમાં ૪૩૭૬ અને સોલાપુરમાં ૨૬૫૨ દરદી નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધુ હોવાનો દાવો રાજ્યના આરોગ્ય વિભાગ કહે છે. આજે મહારાષ્ટ્રમાં ૨૨૪૩ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. પણ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૯૩,૧૫૪ દરદી સાજા થયા છે. એટલે કે કોરોનામુક્ત થયા છે. આથી મહારાષ્ટ્રમાં કોરોનાથી મુક્ત થવાનું પ્રમાણ ૫૧.૬૭ ટકા છે. જ્યારે મૃત્યુ દર ૪.૪૭ ટકા છે.
આજે મહારાષ્ટ્રમાં મૃત્યુ પામેલા ૧૯૮ પૈકી ૪૮ કલાક અંદર મૃત્યુ પામેલાની સંખ્યા ૬૯ દરદી અને ૪૮ કલાકથી વધુ સમયના ૧૨૯ દરદીનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈમાં ૭૫ દરદી મૃત્યુ પામ્યા હતા. આથી મુંબઈમાં અત્યાર સુધી મૃત્યુઆંક ૪૬૩૧ છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૯,૯૨,૭૨૩ લોકોના નમૂનાની ચકાસણી કરાઈ હતી. એમાંથી ૧,૮૦,૨૯૮ દરદી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આથી રાજ્યમાં કોરોનાના દરદીઓનું પ્રમાણ ૧૮.૧૬ ટકા છે, એમ કહીને રાજેશ ટોપેએ ઉમેર્યુ ંહતું કે અત્યાર સુધી ૬,૦૮,૬૬૦ જણને હોમ ક્વોરેન્ટીન કરાયા છે. જ્યારે ૩૮,૩૯૬ સંસ્થાત્મક ક્વોરેન્ટીન કરાયા છે.
મુંબઈમાં કોરોના દરદીઓ અને મૃતકની સંખ્યામાં સતત વધારો થતાં પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ અવઢવમાં મુકાઈ ગયા છે. આગામી દિવસોમાં કોરોનાના દરદી વધશે એવો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. આથી કમિશનર લોકડાઉનમાં આકરા પગલા લેવાનું નક્કી કર્યું છે.
મુંબઈમાં ખાસ કરીને કુર્લા, દહિસર, કાંદિવલી, બોરીવલી, મલાડ, અંધેરી પૂર્વ, ગોરેગામ, મુલુંડ, ભાંડુપ, દેવનાર, ચેમ્બુર, માનખુર્દ, શિવાજીનગર, ઘાટકોપર, ભાયખલા, વડાલા વિસ્તારમાં કોરોનાના દરદી વધી રહ્યા છે, એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈમાં લોકડાઉનમાં આપેલી શિથિલતાની શરતો યોગ્ય રીતે પાલન કરવાનો આદેશ કમિશનરે મુંબઈગરાને આપ્યો છે. નહીં તો આકરા પગલા લેવાનો નિર્દેશ સુદ્ધા આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.