મહારાષ્ટ્રમાં પછડાટ ખાધા બાદ ભાજપ માટે આવ્યા સારા સમાચાર, એક્ઝિટ પોલમાં બંપર જીતના એંધાણ

હજી મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામેબાજી માંડ શાંત પડી છે ત્યાં કર્ણાટકમાં રાજકીય ગરમાવો આવ્યો છે. જોકે મહારાષ્ટ્રમાં પછડાટ ખાધા બાદ કર્ણાટકને લઈ ભાજપ માટે રાહતના સમાચાર છે. અહીં 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં સરેરાશ 60 ટ્કા મતદાન થયું હતું. 9 ડિસેમ્બરે પરિણામો સામે આવશે. જોકે એકઝિટ પોલમાં કર્ણાટકમાં ભાજપની યેદિયુરપ્પા સરકાર એકદમ સુરક્ષીત રહેશે તેવો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે.

પેટાચૂંટણીના પરિણામો પરથી નિશ્ચિત થશે કે રાજ્યમાં ભાજપની સરકાર યથાવત રહેશે કે પછી ફરી એકવાર રાજકીય મેલો ડ્રામા સર્જાશે. કુલ 15માંથી 6 બેઠકો પર જીત મેળવવી યેદિયુરપ્પા સરકાર માટે અનિવાર્ય છે. જે ભાજપને મળતી એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી રહ્યું છે. કુલ 12 બેઠકો પર ભાજપ, જનતા દળ સેક્યુલર (જેડીએસ) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે જે 15 બેઠકો પર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે તેમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 12 બેઠકો કોંગ્રેસે અને 3 જેડીએસએ જીતી હતી. આવામાં ભાજપ માટે આ બેઠકો પર જીત નોંધાવવી મોટો પડકાર છે. જો કે ભાજપે કોંગ્રેસ અને જેડીએસની ટિકિટ પર ચૂંટણી લડનારા ધારાસભ્યોને જ પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. સૂત્ર જણાવે છે કે ધારાસભ્યોના સમર્થક પક્ષપલટાથી જ્યાં નારાજ છે ત્યાં ભાજપમાં આ બેઠકોના દાવેદાર અન્ય નેતા પણ જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટ મળવાથી નારાજ છે. જેમાં ભાજપને આંતરિક કલેહની આશંકા સતાવી રહી છે. જો કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કર્ણાટક પ્રભારી પી મુરલીધર રાવે કહ્યું હતું કે, ભાજપ ખુબ સકારાત્મકતાની સાથે ચૂંટણીમાં ઉતરી છે. કોંગ્રેસ રાજ્યમાં ફરીથી ચૂંટણી ઈચ્છે છે. આવામાં જનતા સ્થિર સરકાર માટે ભાજપને જ તમામ બેઠકો જીતાડે તેવું લાગે છે. કારણ કે જનતાને પણ ખબર છે કે રાજ્યમાં ભાજપ જ સ્થિર સરકાર આપી શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.