મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવા પર સસ્પેંસ યથાવત છે. ભાજપ અને શિવસેના બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હવે ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવાનું આમંત્રણ આપ્યું છે. એવામાં એનસીપી ચીફ શરદ પવારના વલણ પર સૌની નજર ટકેલી છે. બીજીબાજુ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી છે. આની પહેલાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે એ સોમવારના રોજ ગવર્નર સાથે મુલાકાત કરીને સરકાર રચવા માટે વધુ સમય માંગ્યો હતો. ભાજપે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી કે તેની પાસે નંબર નથી આથી તેઓ સરકાર બનાવશે નહીં. એક નજર મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની વચ્ચે પાંચ સંભાવનાઓ પર
પહેલું સમીકરણ
ગવર્નરે એનસીપીને મંગળવારે રાત્રે 8.30 વાગ્યા સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે. એવામાં કોંગ્રેસ ગઠબંધનના પોતાના સહયોગી એનસીપીને સરકાર રચવામાં સાથ આપી શકે છે. પરંતુ શિવસેનાના સમર્થન વગર એનસીપી સરકાર બનાવાની સ્થિતિમાં નથી. બીજીબાજુ શિવસેના મુખ્યમંત્રી પદ પર ઝૂકવા માટે કોઇ કિંમત પર તૈયાર નથી. એવામાં મનાય છે કે એનસીપી રાજ્યપાલના પ્રસ્તાવને ઠુકરાવી શકે છે. એનસીપીએ સીધી રીતે શિવસેનાને સમર્થન આપવા અંગે હજુ કોઇ જાહેરાત કરી નથી.
બીજું સમીકરણ
એનસીપીની ઓફર ઠુકરાવાની સૂરતમાં રાજ્યપાલ ચોથી સૌથી મોટી પાર્ટી એટલે કે કોંગ્રેસને આમંત્રણ આપી શકે છે. પરંતુ કોંગ્રેસ માટે પણ એનસીપીવાળી પરિસ્થિતિઓ અડચણ મૂકશે. કોંગ્રેસની સરકારને શિવસેનાના સમર્થનની શકયતા નથી. વિચારધારાના લીધે પણ આ શકય થતું દેખાતું નથી. એવામાં કોંગ્રેસની તરફથી સરકાર બનાવા માટે શિવસેના પાસે સમર્થન માંગલું લગભગ અશકય દેખાય છે.
ત્રીજું સમીકરણ
જો તમામ પક્ષોએ સરકાર રચવાની ના પાડી દે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલીને કલમ 356ની અંતર્ગત રાષ્ટ્રતિ શાસનની ભલામણ કરે છે. જો રાજ્યપાલનું આમંત્રણ ઠુકરાવીને કોંગ્રેસ અને એનસીપી બંને સરકાર રચવાની ના પાડી દે છે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો રસ્તો સાફ થઇ જશે. આવનારા દિવસોમાં જો કોંગ્રેસ શિવસેનાનું સમર્થન કરવા માટે આગળ આવે છે તો એનસીપીના સહયોગથી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને બહુમતીનો દાવો કરી શકે છે. એવામાં કોંગ્રેસ-એનસીપીની મદદથી શિવસેના સરકાર બનાવી શકે છે.
ચોથું સમીકરણ
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે ભાજપ સરકાર બનાવાની સંભાવનાને સંપૂર્ણપણે નકારી રહ્યું નથી. જો કે અત્યારે ભાજપે સરકાર રચવાને લઇ હાથ ઉભા કરી દીધા છે પરંતુ બીજી કોઇ પાર્ટીની મદદથી ભાજપ એક વખત ફરીથી સરકાર બનાવા માટે રાજ્યપાલની પાસે પહોંચી શકે છે. 2014મા પણ ભાજપે બહુમતી ના હોવાની સૂરતમાં એનસીપીના સમર્થનથી સરકાર બનાવી હતી. જો કે બાદમાં શિવસેનાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું.
પાંચમું સમીકરણ
જો રાજ્યપાલને લાગે છે કે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કર્યા બાદ પણ કોઇ પાર્ટી સરકાર બનાવાની સ્થિતિમાં નથી તો તેઓ રાજ્યમાં મધ્યાવધિ ચૂંટણીની સલાહ આપી શકે છે. રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ રાજ્યની તમામ શક્તિઓ રાષ્ટ્રપતિની પાસે સુરક્ષિત થઇ જાય છે. વિધાનસભાનું કામ સંસદ કરે છે. તેના માટે બે મહિનાની અંદર સંસદની મંજૂરી જરૂરી છે. રાજ્યમાં 6 મહિના અથવા તો વધુમાં વધુ 1 વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન લાગૂ રહી શકે છે. જો એક વર્ષથી વધુ રાષ્ટ્રપતિ શાસનને આગળ વધારવું હોય તો તેના માટે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી સહમતિ લેવી પડશે. એવામાં એક વર્ષ બાદ ફરીથી ચૂંટણીની સંભાવના નકારી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.