મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખ કોરોના પોઝિટિવ

– કોંગ્રેસના અસલમ શેખે પોતાની જાતને આઇસોલેટ કરી

– અત્યારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે

 

મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન અસલમ શેખનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી હતી.

અસલમ શેખ ત્રીજી વાર મલાડ વેસ્ટમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા છે અને હાલ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મિશ્ર સરકાર છે.

અત્રે એ યાદ રહે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રવિવારે મહારાષ્ટ્રમાં એકજ દિવસમાં નવ હજાર પાંચસો અઢાર નવા કેસ નોંધાયા હતા. એ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો આંકડો ત્રણ લાખ દસ હજારના આંકને વટાવી ગયો હતો. અત્યાર સુધીમાં 11 હજાર આઠસો ચોપન વ્યક્તિનાં મરણ કોરોનાના કારણે થયાં હતાં. રવિવારે એક જ દિવસમાં 258 દર્દીઓ મરણ પામ્યા હતા. એમાંના 149 મુંબઇ મહાનગરમાં મરણ પામ્યા હતા.

રાજ્યની સાંસ્કૃતિક રાજધાની સમા પૂણે, ઔરંગાબાદ, નાસિક સહિત કેટલાક સ્થળે સ્વૈચ્છિક કે સરકારે લાદેલી સંચારબંધી પ્રવર્તી રહી હતી. જો કે પૂણેમાં વેપારી સંઘે લૉક આઉટનો જોરદાર વિરોધ કર્યો હતો અને વેપાર-ધંધા ઠપ થઇ જવા ઉપરાંત પોતાના પરિવાર ભૂખે મરતા થઇ જશે એવી દલીલ કરી હતી. વેપારી સંઘે ઓડ ઇવન જેવી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી પણ કરી હતી.

નવા કેસની બાબતમાં એક જ દિવસમાં નવ હજાર કેસ આવ્યા હોય એવો આ પહેલો રવિવાર હતો. એકલા મુંબઇ મહાનગરમાં કોરોનાના કેસનો આંકડો એક લાખ એક હજાર ત્રણસો અઠ્યાસીનો આંક વટાવી ગયો હતો. સમગ્ર રાજ્યમાં દર્દીઓનેા આંકડો ત્રણ લાખ દસ હજાર ચારસો પંચાવનનો હતો.

પૂણે, પિંપરી-ચિંચવડ, સોલાપુર, જલગાંવ, ઔરંગાબાદ, કોલ્હાપુર, ધાર્મિક તીર્થ સમાન નાસિક વગેરે સ્થળોએ રોજે રોજ નવા નવા કેસ આવી રહ્યા હતા. આમ છતાં મોટા ભાગનાં શહેરોમાં લોકો નવા લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.