મહેસાણા જિલ્લાના BJP યુવા મોરચાના નેતા મયુર સિંહના પિતાના ખેતરમાંથી 31 પેટી દારૂ પકડાયો

દારૂના અનેક કેસમાં પોલીસ ઊંઘતી ઝડપાય હોય એવા કિસ્સાઓ બનેલા છે. એવામાં મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી મયુરસિંહના પિતાની વાડીમાંથી 31 દારૂની પેટી પોલીસે જપ્ત કરી છે. જેની કિંમત 1,20,000 ઉપજે છે. પોલીસની વિજિલન્સ ટીમે ખેતરની ઓરડીમાં તપાસ કરતા આ દારૂ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થો લગ્ન પ્રસંગ માટે લાવ્યા હોવાનું ચર્ચામાં છે. પોલીસે દશરથસિંહ પરમાર સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજ્યના ડીજી વિજિલન્સ સ્કવૉડના PSI એસ.આઈ. પટેલની ટીમે ચોક્કસ બાતમીને આધારે સતલાસણા તાલુકા નજીક સુદસણા ગામમાં આવેલી એક વાડીમાં તપાસ શરૂ કરી હતી.

તપાસ કરતા આ વાડી દશરથસિંહ પરમારની હોવાનું સામે આવ્યું હતું. જ્યા આવેલી એક ઓરડીમાંથી દારૂની 30 પેટી મળી આવી હતી. જેમાં 420 બોટલ્સ હતી. જોકે, આ કેસમાં પોલીસે કોઈ નિવેદન ન આપતા અનેક તર્ક-વિતર્ક ચર્ચામાં છે. દશરથસિંહનો પુત્ર મયુરસિંહ જિલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી છે. પરિવારમાં લગ્નપ્રસંગ હોવાને કારણે આ સામગ્રી મંગાવી હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણા જિલ્લામાં એવી પણ ચર્ચા છે કે, એમના જ કોઈ વિરોધીઓએ બદલો લેવા માટે બાતમી આપી દીધી છે. ભાજપના જાણીતા અને જિલ્લાના માનીતા નેતાઓ આ કેસ પાછળ પોતાના ફોન લગાડી રહ્યા છે. જેથી કેસ કોઈ મોટું રૂપ ન લે. પરંતુ, પોલીસે કોઈ પ્રકારની મચક ન આપતા વાડીમાં છુપાવી રાખેલો દારૂનો જથ્થો સામે આવ્યો હતો. જોકે, હજું સુધી પોલીસે કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી. માત્ર કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.

પોલીસને ખ્યાલ હતો કે, દશરથસિંહનો પુત્ર ભાજપ યુવા મોરચા મંત્રી છે. દારૂ ખેતરમાં છુપાવવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. ચર્ચા એવી પણ છે કે, આ અંગે કોઈ મોટી તપાસ થશે કે પછી ભીનું સંકેલાઈ જશે. પોલીસ મીડિયાના સંપર્કમાંથી પણ બચી રહી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ સવાલ એ પણ થાય છે કે, આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી? કોઈ બુટલેગર રડારમાં છે ખરા? પોલીસ પ્રાથમિક રીતે તપાસ કરીને સમગ્ર નેટવર્કને ઝડપવા માટે પ્રયત્નો કરી રહી છે. જોકે, સ્થાનિક પોલીસની જાણ બાહર આ કેસ થયો હોવાની પણ વાત થઈ રહી છે. સ્પેશ્યલ ટીમે આ ઓપરેશન કર્યું હોવાનું સ્થાનિક પોલીસ બેડામાંથી જાણવા મળ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.