કોરોના વાયરસ સંકટ અને રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસણ વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે ટ્વિટરના માધ્યમથી કોરોના કાળમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવીને કટાક્ષ કર્યો હતો. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ વળતો હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાહુલ ગાંધીના અંદાજમાં જ દર મહીનાની નવી નવી ઉપલબ્ધિઓ ગણાવી હતી જેમાં શાહીન બાગથી લઈને રાજસ્થાનની લડાઈનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટર પર લખ્યું હતું કે, રાહુલ ગાંધીજી તમે પણ પાછલા છ મહીનાની તમારી ઉપલબ્ધિઓ પર ધ્યાન આપો….
– ફેબ્રુઆરીઃ શાહીન બાગ અને હુલ્લડો
– માર્ચઃ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્ય પ્રદેશ ગુમાવ્યા
– એપ્રિલઃ પ્રવાસી મજૂરોને ઉશ્કેર્યા
– મેઃ કોંગ્રેસની ઐતિહાસિક હારની છઠ્ઠી વર્ષગાંઠ
– જૂનઃ ચીનનો બચાવ કરવો
– જુલાઈઃ રાજસ્થાનમાં કોંગ્રેસ પતનના આરે
આટલું જ નહીં, પ્રકાશ જાવડેકરે આગળ લખ્યું હતું કે, રાહુલ બાબા તમે ભારતની ઉપલબ્ધિઓ પણ લખો. જેમાં કોરોના વિરૂદ્ધ યુદ્ધ ચાલુ છે, સરેરાશ કેસની સરખામણીએ દેશની સ્થિતિ સારી છે, એક્ટિવ કેસ અને મૃત્યુના આંકડામાં અમેરિકાની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. તમે મીણબત્તી સળગાવવાની મજાક ઉડાવીને દેશની જનતા અને કોરોના વોરિયર્સની મજાક ઉડાવી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર મધ્ય પ્રદેશમાં સરકાર પાડી દેવા વ્યસ્ત રહી, મીણબત્તી સળગાવવા, નમસ્તે ટ્રમ્પનું આયોજન કરવા અને હવે રાજસ્થાન સરકારને પાડી દેવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહી. આ કારણે જ દેશમાં કોરોના સામેની લડાઈ આત્મનિર્ભર બની છે.
રાહુલ ગાંધી સતત મોદી સરકારને ટાર્ગેટ કરી રહ્યા છે. પછી ભલે તે ચીનનો મુદ્દો હોય કે પછી કોરોના સંકટની વાત હોય. ચીન મુદ્દે રાહુલ ગાંધી સતત પોતાનો વીડિયો બ્લોગ બહાર પાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિષ્ફળતા ગણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.