મમતા બેનરજીને કેન્દ્ર સરકારે આપ્યો કમરતોડ ઝાટકો, રાજપથ પર નહીં કરી શકે ‘શક્તિ પ્રદર્શન’

ફરી એકવખત કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આમને સામને આવી ગયા છે. કેન્દ્ર સરકારે 26મી જાન્યુઆરીના રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સમાવેશ કર્યો નથી. સંરક્ષણ મંત્રાલયે આ અંગે કહ્યું કે બંગાળ સરકારની ઝાંખીને લગતી દરખાસ્ત નિષ્ણાતોની સમિતિ સમક્ષ બે વખત રજૂ કરવામાં આવી હતી. બીજી બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ તેને નકારી દેવામાં આવી છે. આમ રાજપાથની પરેડમાં મમતા દીદીના સરકાર ‘શક્તિ પ્રદર્શન’ કરી શકશે નહીં. આ વર્ષે યોજાનારા ગણતંત્ર દિવસના પરેડ સમારંભમાં કુલ 56 ઝાંખીની દરખાસ્ત મળી હતી. જે પૈકી 28 ઝાંખીને પસંદ કરવામાં આવી છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો સમારંભના મુખ્ય અતિથિ હશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2018માં પણ બંગાળની ઝાંખી પરેડમાં સામેલ કરવામાં આવી ન હતી. મંત્રાલયના જણાવ્યાનુસાર બંગાળ સરકારની ઝાંખીને અગાઉ પરેડની પ્રક્રિયાના ધોરણે પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2020ના ગણતંત્ર દિવસની પરેડમાં કુલ 56 ઝાંખી માટે પ્રસ્તાવ હતા. તેમા 22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રાલયો અથવા વિભાગોની ઝાંખી માટેની દરખાસ્તનો સમાવેશ થતો હતો. આ પૈકી 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 22 દરખાસ્તો અને મંત્રાલયો તથા વિભાગોની 6 ઝાંખીને પરેડ માટે પસંદ કરવામાં આવી છે. આ માટે નિષ્ણાતોની સમિતિએ 5 તબક્કાની બેઠક યોજી હતી.

ગણતંત્ર દિવસની પરેડ માટે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો તરફથી આ દરખાસ્તો મંગાવામાં આવે છે. ઝાંખીની પસંદગી નિષ્ણાતોની એક સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેમા કલા, સંસ્કૃતિ, ચિત્રકળા, મૂર્તિકલા, સંગીત, વાસ્તુકલા અને નૃત્યકલા સંબંધિત વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સમિતિ પ્રસ્તાવો પર વિચાર કરવા તેની ભલામણ સંરક્ષણ મંત્રાલયને મોકલે છે. સમયની મર્યાદાને જોતા ચોક્કસ સંખ્યામાં જ ઝાંખીની પસંદગી કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.