બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. રાહુલ 10 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી કોર્ટ સુધી અલગ અલગ સાત જગ્યાએ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડિયાની ફાસ્ટટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરત બાદ 11મી તારીખે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે એક કેસમાં કોર્ટમાં હાજરી આપશે. બદનક્ષીમાં કેસમાં હવે પછી 10મી ડિસેમ્બરે વધુ સુનાવણી થશે.
રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એરપોર્ટથી જ તેમને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા બાદ 10:45 વાગ્યે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાહુલ 10:30 વાગ્યે કોર્ટરૂમમાં પહોંચી ગયા હતા. કોર્ટમાં રાહુલને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને ગુનો કબૂલ છે કે નહીં? જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે મને ગુનો કબૂલ નથી. બીજી તરફ રાહુલ ગાંધીએ હવે પછીની સુનાવણીમાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજી પણ કરી હતી. ફરિયાદી તરફથી રાહુલ ગાંધીને વકીલે કરેલી અરજીનો વિરોધ કરાયો હતો. જોકે, કોર્ટે આ અરજી મંજૂર રાખતા રાહુલે હવે કોર્ટના ધક્કા નહીં ખાવા પડે. આ કેસની વધુ સુનાવણી 10મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધીએ બેંગલુરુના એક ગામની સભા દરમિયાન ‘બધા મોદી ચોર છે’ તેવા નિવેદન મુદ્દે ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુરૂવારે તારીખ હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવી પહોંચ્યો છે. કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ પરત રવાના થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.