મને મારા હિન્દુત્વ પર અભિમાન છે; પરંતુ એનો અર્થ એ નથી કે હું મુસ્લિમ-વિરોધી છું: વાજપેયી

ભારતના જનહૃદયમાં વરિષ્ઠ, વિશિષ્ટ અને વિવિધ વ્યક્તિત્વ ધરાવતા રાજનેતા અટલ બિહારી વાજપેયીનો તા.૨૫મી ડિસેમ્બરે જન્મદિન હતો. નોખી માટીના નોખા માનવી એવા અટલજી માત્ર રાજકીય કુંડાળાના કુપમંડુક નહોતા તેઓએ રાષ્ટ્રનેતા તરીકે પોતાની આગવી અને અનોખી વિચાર વૈવિધ્યતા તેમજ રાષ્ટ્રીય કર્તવ્યપરાયણતા દ્વારા એલ્ડર સ્ટેટસમેન તરીકે આગવી ઓળખ અંકિત કરી હતી. વાજપેયી વિશે તત્કાલીન વડાપ્રધાન પં.નહેરુએ વર્ષો પહેલાં એવી આગાહી કરી હતી કે અટલજીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે અને એ સાર્થક પણ થયું હતું. ગુરુ ગોલવેલકરથી માંડી ગાંધીજીના વિવિધ વિચારો વિશે પોતાની આગવી સમજશક્તિ ધરાવતા વાજપેયીજીના જીવનની ખાસિયત એ હતી કે નિર્ણય બાબતે અંતરાત્માના અવાજને જ અનુસરતા.

‘ભારતીયકરણ એક નારો નહીં, જીવન-દર્શન છે. એક પ્રતિક્રિયા નહીં, ઐતિહાસિક પ્રક્રિયા છે. અનાદિકાળથી ભારત અનેક જાતિઓ તથા જીવન-પ્રવાહોનો સંગમ છે. સંઘર્ષ અને સમન્વયના માધ્યમથી વિભિન્ન જાતિઓ ભારતમાં એવી હળીમળી ગઈ છે કે એમને અલગઅલગ કરી શકાતી નથી. નાનીનાની જલધારાઓને પોતાનામાં સમાવીને ભારતની રાષ્ટ્રીય જીવનધારા અવિચ્છિન્ન વહેતી રહી છે.

રાજનીતિના ઉદારવાદી અભિગમના આગ્રહી વાજપેયી કટ્ટર હિન્દુવાદી નહોતા, પરંતુ મધ્યમમાર્ગી હતા. અટલજી એમના બુદ્ધિપૂર્વકના આગ્રહો, ગરિમાપૂર્ણ ચર્ચાઓ સાથે ભિન્ન મત વ્યક્ત કરવાની લાક્ષણિકતા માટે જાણીતા હતા. બાબરી મસ્જિદ તોડવા અંગે એમના જ પક્ષમાં કટ્ટરપંથીઓ સાથે ટકરાવ થયો હતો. લોકસભામાં ૧૯૯૨માં બાબરી મસ્જિદ અંગેની ચર્ચામાં તેઓએ સ્પષ્ટ કહ્યું હતું. ‘બાબરી મસ્જિદને જે રીતે તોડવામાં આવી એનું હું કદી સમર્થન નથી કરી શકતો.’ ગુજરાતનાં તોફાનો અંગે તત્કાલીન મુખ્યમંત્રી રાજધર્મ ચૂક્યા છે એવું જાહેર મંતવ્ય વ્યક્ત કરનાર વાજપેયી હતા. અટલજી અંતરખોજ કરનાર વ્યક્તિ હતી. આત્મવિશ્વાસ, આત્મસંયમ અને આત્મ મૂલ્યાંકન કરનારા રાજનેતા હતા. તેઓ ચીલાચાલુ રાજકારણી નહોતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.