મોદીએ અમેરિકાના સ્વતંત્રતા દિને ટ્રમ્પને ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી

– ટ્રમ્પે મિત્ર મોદીનો શુભેચ્છા બદલ આભાર માની કહ્યું ‘અમેરિકા પણ ભારતને પ્રેમ કરે છે’

– ડાબેરી, અરાજક્તાવાદી, ચળવળકારોને હરાવીશું સ્વતંત્રતા દિનના ભાષણમાં ટીકાકારોને ટ્રમ્પનો ટોણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના 244મા સ્વતંત્રતા દિન પ્રસંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન નાગરિકોને સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીને આ શુભેચ્છાના જવાબમાં અમેરિકન પ્રમુખે જણાવ્યું હતું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર હોવાના પગલે આપણે સ્વતંત્રતા અને માનવ ઉદ્યોગસાહસિક્તાને જાળવી રાખી છે અને આ દિવસે તેની ઊજવણી કરીએ છીએ. વડાપ્રધાન મોદીની ટ્વીટના જવાબમાં ટ્રમ્પે પણ ટ્વીટ કરીને કહ્યું, મારા મિત્ર તમારો આભાર, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.

વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર બંને નેતાઓની ટ્વીટને રીટ્વીટ કરી હતી. બંને દેશના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર મોદી અને ટ્રમ્પની ટ્વીટના આદાન-પ્રદાનને આવકારી હતી.

ટ્રમ્પ વિક્ટરી ઈન્ડિયન અમેરિકન ફાઈનાન્સ કમિટિના સહઅધ્યક્ષ અલ મેસને જણાવ્યું હતું કે, વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર અમેરિકા અને ભારત, પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેના અસાધારણ ગાઢ સંબંધો અને પ્રેમ આજે વિશ્વ નિહાળી રહ્યું છે. બીજી બાજુ અમેરિકન સ્વતંત્રતા દિન એકતા અને ઊજવણીનો દિવસ છે તેમ જણાવતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ દેશના આંતરિક શત્રૂઓ – ડાબેરીઓ, લુંટારા અને આંદોલનકારીઓથી દેશના ‘મૂલ્યોનું રક્ષણ’ કરશે.

સ્વતંત્રતા દિન 4થી જૂલાઈએ પણ ટ્રમ્પનું ભાષણ તેમની રાજકીય રેલીઓની જેમ જ મેણાં-ટોણા અને ઝઘડાઓના ઈરાદાઓથી ભરેલું રહ્યું. ટ્રમ્પે કોરોનાની મહામારી સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય લોકોનું અભિવાદન કર્યું અને તેમના ટીકાકારો તથા દેશના ઈતિહાસનું કિથત અપમાન કરનારાઓની ઝાટકણી કાઢી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આપણે હવે કટ્ટર ડાબેરીઓ, અરાજક્તાવાદીઓ, ચળવળકારો, લુંટારા અને તેઓ શું કરી રહ્યા છે તેની કશી જ ખબર નથી તેવા લોકોને હરાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આપણે ઉશ્કેરાયેલા ટોળાને આપણી પ્રતિમાઓ તોડવા નહીં દઈએ કે આપણા ઈતિહાસને ભૂંસવા નહીં દઈએ.

આપણે 1492માં કોલમ્બસે અમેરિકાની શોધ કરી ત્યારથી શરૂ થયેલી અમેરિકન જીવન પદ્ધતિને જાળવી રાખીશું અને તેનું સંરક્ષણ કરીશું.  જોકે, તેમના સંબોધનમાં તેમણે કોરોનાથી માર્યા ગયેલા નાગરિકોનો ઉલ્લેખ નહોતો કર્યો. અમેરિકામાં અંદાજે 1,30,000 લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે.

અમેરિકામાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા હોવાથી સમગ્ર દેશના અિધકારીઓએ અમેરિકન જનતાને સ્વતંત્રતા દિવસ સમારંભના તેમના ઉત્સાહને કાબૂમાં રાખવા અને ભીડવાળા વિસ્તારોમાં નહી ંજવા નિર્દેશ આપ્યા હતા. પરંતુ તેનાથી વિપરિત ટ્રમ્પે લોકોને આતશબાજીથી સજ્જ ‘વિશેષ સાંજ’ની ઊજવણીના કાર્યક્રમથી લલચાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, રાતે એર-શો તથા આતશબાજી જોવા માટે જે ભીડ નેશનલ મોલમાં એકત્ર થઈ હતી, તે ગયા વર્ષની સરખામણીમાં ઘણી ઓછી હતી. મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા હતા તથા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરી રહ્યા હતા.

ટ્રમ્પે આ પ્રસંગે પણ તેમના વિરોધીઓ પર હુમલો કરવાની તક જવા દીધી નહોતી. પ્રતિમાઓ તોડનારા પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું, આપણો ભૂતકાળ કલંકિત નથી, જેનાથી તમે છૂટકારો મેળવી શકાય. તેમણે દેશમાં પ્રતિમાઓની તોડફોડ કરનારાઓની ટીકા કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.