મહારાષ્ટ્ર અને હરિયાણામાં સૌથી મોટી પાર્ટી બનવા છતાં પણ સીએમની ખુરશી માટે ખેંચતાણ વચ્ચે નવા સમીકરણ ભાજપની ઊંઘ હરામ કરી રહ્યાં છે ત્યાં ગુજરાતમાં ચોંકાવનારા પરિણામોએ મોદી અને અમિત શાહની ઊંઘ ઉડાડી દીધી છે. રૂપાણી સરકારની કામગીરી અને ભાજપના નેતાઓની આંતરિક ખેંચતાણનો ભોગ આ સીટો બની છે. ભાજપના નેતાઓની એકબીજાને પછાડવાની નીતિમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને તેમના ભરોસા પરચોડી દેવાતાં આ આયાતી ઉમેદવારો ન ઘરના રહ્યાં છે ન ઘાટનાં. ભાજપમાં જોડાવવા છતાં અલ્પેશ કે ધવલસિંહને ભાજપે ન સ્વીકાર્યા હોય તેમ મદદમાં પાછીપાની કરતાં આ બંને નેતાઓને હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.
રાધનપુર બેઠક પર બહુ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી છે. બપોરે એક વાગ્યા સુધીમાં 24 રાઉન્ડમાંથી 19 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યાં સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ 6,784 વધુ મતોથી આગળ રહ્યા છે. તો અલ્પેશ ઠાકોરની હાર નિશ્ચિત હોય તેમ મનાઈ રહ્યું છે. આહિર અને ચૌધરી સમાજ કોંગ્રેસ તરફી રહ્યા હોય તેવું ચિત્ર ઉભુ થયું છે. બાયડમાં તો ધવલસિંહ પાતળી બહુમતીથી હારી ગયા છે. અમરાઈવાડીમાં પણ જગદીશ પટેલને ટીકિટ મળતાં ઉમેદવારે એકલા હાથે પ્રચાર કરવાનો વારો આવ્યો હતો. જે પછી અમરાઈવાડીમાં જગદીશ પટેલ પાતળી સરસાઈ સાથે જીત મેળવી છે.સીએમે પણ મંત્રીઓને ખખડાવીને ઉમેદવારોના વિસ્તારોમાં પ્રચાર કરવા જવા ધમકી આપવી પડી હતી. સંગઠનમાં અભાવને પગલે ભાજપે 4 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. થરાદમાં તો પરબત પટેલની આડોડાઈ અને શંકર ચૌધરીને ટીકિટ ન આપવાનું પરિણામ ભાજપે ભોગવવું પડ્યું છે. શંકર ચૌધરીની ટીકિટ આખરી સમયે કાપી દેવાતાં ચૌધરી સમાજ ભાજપથી નારાજ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.