મોદીના દીપક રાગથી દેશભરમાં દીવા ઝળહળ્યા : લોકો જ્યોતિર્મય

એક સાથે લાઇટો બંધ થઇ પણ કોઇ ગ્રીડમાં ખામી ન સર્જાઇ, વિજળી પ્રધાને એન્જિનિયરોની પીઠ થાબડી

– રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાનો, મંત્રીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓએ કોરોના સામેના જંગમાં દીવા પ્રગટાવ્યા

– કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવ મિનીટ દિવાળી જેવો માહોલ સર્જાયો, ફટાકડા પણ ફૂટયા : કોરોના સામેની પીએમ મોદીની હાકલને દેશે આવકારી

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ કલાકે દિવા પ્રગટાવવાની હાલક કરી હતી જેને અનેક લોકોએ વધાવી લીધી હતી. કાશ્મીરથી કન્યા કુમારી સુધી ઠેર ઠેર દિવા પ્રગટયા હતા જ્યારે અનેક શહેરોમાં લોકોએ ફટાકડા પણ ફોડયા હતા. જાણે દિવાળીનો માહોલ હોય તેમ નવ મિનિટ સુધી કોરોના સામે દેશ એક થયો હતો અને દીપ પ્રાગટય કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, મુખ્ય પ્રધાનો, મંત્રીઓ પણ જોડાયા હતા.

રવિવારે રાત્રે બરાબર નવના ટકોરે નવ મિનિટ સુધી અનેક લોકોએ પોતાના ઘરોની લાઇટો બંધ કરી દીધી હતી, દિવા પ્રગટાવ્યા તો કેટલાકે મોબાઇલની ફ્લેશ લાઇટ કરી પ્રકાશ ફેલાવ્યો હતો. અનેક લોકો એકઠા થઇને પણ દિવા પ્રગટાવતા જોવા મળ્યા હતા. તો ફટાકડા પણ ફૂટયા હતા. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશને દિવા પ્રગટાવવાની અપીલ કરી હતી.

ભાજપ શાસીત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ પરિવાર સાથે દિવા પ્રગટાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબા પણ આ આહવાનમાં જોડાયા હતા અને તેમણે પણ ઘરે દિવો પ્રગટાવ્યો હતો. બીજી તરફ એવી ભીતિ હતી કે એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો લાઇટો બંધ કરશે તો પાવર ગ્રિડને અસર થઇ શકે છે જોકે આવું કઇ નહોતુ થયું અને રાબેતા મુજબ બધાએ લાઇટો શરૂ પણ કરી દીધી હતી. વિજળી પ્રધાન એ.કે.સિંહે કહ્યું હતું કે વિજળી પુરવઠો યોગ્ય રીતે જ સપ્લાય થઇ રહ્યો છે અને કોઇ જ ખામી નથી સર્જાઇ. તેમણે આ માટે વિજળી વિભાગના બધા જ એન્જિનિયરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ પણ દિવા પ્રગટાવ્યા હતા. સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષ વર્ધને એઇમ્સમાં મેડિકલ સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી દીપ પ્રજવલીત કર્યા હતા. ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અને કેટલીક અન્ય સેલિબ્રિટીએ પણ પોતાના ઘરે  દિવા પ્રગટાવ્યા હતા જેની તસવીર શેર કરી હતી. જ્યારે છત્તીસગઢમાં પૂર્વ મુખ્ય પ્રધાન રમણસિંહના નિવાસ સ્થાને સીઆરપીએફના જવાનોએ કેન્ડલ પ્રગટાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવાસ સ્થાને દીપ પ્રગટાવ્યો હતો જેની તસવીર બાદમાં તેમણે ટ્વિટર પર શેર કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાને લાઇટો બંધ કરીને દિવા પ્રગટાવ્યા હતા. અમદાવાદ, મુંબઇ, દિલ્હી, બેંગાલુરુ, કોલકાતા, ગુવાહાટી, શ્રીનગર, અમૃતસર, અનેક શહેરોમાં લાઇટો એક સાથે બંધ કરી લોકોએ દિવા પ્રગટાવ્યા હતા તો કોઇએ મોબાઇલથી ફ્લેશ લાઇટ કરી હતી. કેટલાક મંદીરોમાં પણ દીપ પ્રાગટય થયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ દિવો પ્રગટાવ્યો હતો. જોકે આ દરમિયાન અનેક શહેરોમાં ફટાકડા પણ ફૂટયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.