– જો કે જદયુએ ‘બડે ભૈયા’નું સ્થાન ગુમાવ્યું
એક બે નહીં, તમામ એક્ઝિટ પૉલે નીતિશ કુમાર જાય છે એવી સ્પષ્ટ શબ્દોમાં આગાહી કરી દીધી હતી. પરંતુ મતદારોએ સૌને ખોટા પાડ્યા. બિહારમાં એનડીએની સરકાર પાછી આવી. એ માટે ત્રણ પરિબળોએ મુખ્ય ભાગ ભજવ્યો એમ કહી શકાય.
એ ત્રણ પરિબળો એટલે નરેન્દ્ર મોદી, મુસ્લિમ મતો અને મહિલા મતદારો. નીતિશ કુમારની છેલ્લી સરકારના કામ અને વહીવટથી લોકો નારાજ હતા એ હકીકત સૌએ સ્વીકારી લીધી હતી. જેલવાસ ભોગવી રહેલા રાજદના લાલુ યાદવના પુત્ર તેજસ્વીનું નામ મુખ્ય પ્રધાન તરીકે ઉપસ્યું હતું. ભાજપ પોતાના ધારાસભ્યોને ફોડે નહીં એટલા માટે સોનિયા ગાંધીએ એક્ઝિટ પૉલના વર્તારા પછી પોતાના બે વિશ્વાસુ નેતાને પટણા દોડાવ્યા હતા.
એ બધો વ્યાયામ વ્યર્થ ગયો. તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ બંને ભાઇઓ ભલે જીત્યા પરંતુ આ જીત તેમને આકરી લાગી હશે. સત્તાનો કોળિયો તેમના હોઠ સુધી આવીને લૂંટાઇ ગયો. આ આઘાતની કળ તેમને વળતાં ઘણો સમય લાગશે. હંમેશની જેમ કોંગ્રેસનો ધબડકો થયો. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જેટલી ગાળો વધારે આપી એટલા મતો ભાજપને વધુ મળ્યા.
નીતિશ કુમાર પર લોકો નારાજ હતા એ હકીકત હતી પરંતુ જેવા નરેન્દ્ર મોદી મેદાનમાં આવ્યા, તરત પવન પલટાઇ ગયો. વડા પ્રધાને બિહારમાં લગભગ ડઝનેક સભા સંબોધી. એમાં એ નીતિશ કુમાર સાથે દેખાયા અને નીતિશના વખાણ કરતા સંભળાયા. એટલે પરિણામ એવું આવ્યું કે નીતિશ કુમારના જદયુને ભલે ઓછા મતો મળ્યા, ભાજપે એમની નૌકા પાર કરી દીધી. જો કે આ વખતે નીતિશ કુમાર મોટાભાઇગીરી નહીં કરી શકે કારણ કે ભાજપને એમના કરતાં વધુ બેઠકો મળી.
એનડીએના વિજયનું બીજું પરિબળ મહિલા મતદારો હતાં. મહિલાઓ સદા નીતિશ કુમાર પર વિશ્વાસ મૂકતી રહી છે. આ વખતે વડા પ્રધાનની હાજરીએ મહિલાઓના નીતિશ કુમાર પરના વિશ્વાસને દ્રઢાવ્યો એમ કહી શકાય. મહિલાઓને આર્થિક મદદ, શૌચાલયો, ગેસના ચુલાની સગવડ, પાકું ઘર વગેરે સગવડો મહિલાઓને આકર્ષવામાં નિમિત્ત બની એ સ્વીકારવું રહ્યું.
ત્રીજું અને મહત્ત્વનું પરિબળ મુસ્લિમ મતદારો. સામાન્ય રીતે મુસ્લિમ મતદારો રાજદને મત આપતા હોય છે. બિહારમાં 17 ટકા મુસ્લિમ મતદારો છે. કોણ જાણે શી રીતે આ વખતે મુસ્લિમ મતો પણ વહેંચાઇ ગયા. એનું કારણ કદાચ એ પણ હોઇ શકે કે કોંગ્રેસ પરનો મુસ્લિમોનો વિશ્વાસ સાવ ઘટી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.