મોદીના સીએમ કાર્યકાળમાં પ્રિન્સીપલ સચિવ રહેલા IAS અધિકારીને લોટરી લાગી, બની ગયા રાજ્યપાલ

કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રથમ ઉપ રાજ્યપાલ(લેફ્ટનન્ટ ગવર્નર)ની નિમણૂક કરી દીધી છે. ગીરીશ ચંદ્ર મુર્મુને જમ્મુ-કાશ્મીરના પ્રથમ ઉપ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે જ્યારે લદ્દાખના પ્રથમ ઉપ રાજ્યપાલ તરીકે રાધાકૃષ્ણ માથુરની નિમણૂક કરવામાં આવી છે. બંને કેન્દ્રશાસિત પ્રદેશોે 31 ઓક્ટોબરથી અસ્તિત્વમાં આવી જશે. મોદી સરકારે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને દૂર કરી દીધી હતી. 

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યા પછી  નવા ઉપ રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.  ગીરીશ ચંદ્ર મુર્મુ 1985 બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. તે હાલમાં નાણા મંત્રાલયમાં ખર્ચ સચિવ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મુર્મુ તેમના પ્રિન્સિપાલ સચિવ હતાં. આ ઉપરાંત કેરળ ભાજપ પ્રમુખ પી એસ શ્રીધરન પિલ્લાઇને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.  રાદાકૃષ્ણ માથુર પૂર્વ સંરક્ષણ સચિવ હતાં. 

તેઓ 1977 બેચના ત્રિપુરા કેડરના આઇએએસ અધિકારી હતાં. મુર્મુ ચાલુ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થઇ રહ્યાં છે જ્યારે માથુર ગયા વર્ષે નવેમ્બરમાં સેન્ટ્રલ ઇન્ફરમેશન કમિશનમાંથી નિવૃત્ત થયા હતાં.  એક અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારે સરકારે વિવિધ વિભાગોમાં 29 સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે.જેમાંથી 13 આઇએએસ(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અને બાકીના આઇઆરએસ(ઇન્ડિયન રેવન્યુ સર્વિસ), આઇએફઓએસ (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) અને સીએસએસ(સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ)ના અધિકારીઓ છે.  પર્સોનલ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર પંજાબ કેડરના આઇએએસ અધિકારી અલકાનંદા દયાલને ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.