મોદી સરકાર ખેડૂતોને ડૂબાડશે, વધુ એક લીધો ખેડૂત વિરોધી નિર્ણય

દેશમાં કઠોળના ખેડૂતોને સૌથી મોટી સમસ્યા હોય તો પાકના ભાવ છે. ખેડૂતોએ સરકારના કહેવાથી ઉત્પાદન તો વધારી દીધું છે પણ સરકાર ટેકાના ભાવ અપાવવામાં પણ નિષ્ફળ રહી છે. દેશમાં આ વર્ષે કઠોળનું ઉત્પાદન ખરીફ સિઝનમાં 82 લાખ ટન અને કુલ ઉત્પાદન 263 લાખ ટન થવાનો અંદાજ મૂક્યો હોવા છતાં સરકારે આયાત માટે તૈયારી કરી છે.

કઠોળનો ઉપલબ્ધ સ્ટોક છતાં વેપારીઓને કરશે માલામાલ

દેશમાં કઠોળની સરેરાશ જરૂરિયાત 250 લાખ ટનની આસપાસ છે. સરકારના ગોડાઉનો કઠોળથી ભરાયેલા છે. આ સમયે દેશના ખેડૂતોને કઠોળના ભાવ મળે એ સૌથી વધારે જરૂરી હોવા છતાં મોદી સરકારે કઠોળની આયાતને મંજૂરી આપી છે. ગત વર્ષે કઠોળનું ખરીફ ઉત્પાદન 92 લાખ ટનની આસપાસ રહ્યું હતું. દેશમાં ચણા, અડદ, મગ અને મસૂરના ભાવ ગત મહિના કરતાં 10 ટકા વધ્યા છે ત્યાં સરકારી નિર્ણય ભાવ ઘટાડવાનું કારણ બનશે. દેશમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સતત વરસાદને પગલે કઠોળના પાકને નુક્સાન થયું છે. જેમાં મરો ખેડૂતોનો થયો છે. હવે આ બાબતનો ફાયદો વેપારીઓ અને સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યાં છે. સરકારે 1.50 લાખ ટન મગ અને અડદની આયાત કરવાનો નિર્ણય લીધો છે.

તુવેરનો વધુ ક્વોટા ફાળવવા પણ માગ થઈ

વેપારીઓએ તુવરેની આયાતનો સમય વધારવાની માગ કરવાની સાથે એક લાખ ટનનો વધુ આયાતનો ક્વોટા ફાળવવા માટે માગ કરી છે. અગાઉથી 4 લાખ ટન તુવેરના ક્વોટામાંથી 1.36 લાખ ટન તુવેરની આયાત થઈ ચૂકી છે. મગ અને અડદની 60 હજાર ટનની આયાત પણ ટૂંક સમયમાં ભારતમાં આવી જશે.

દેશમાં કઠોળની જરૂરિયાત પૂરતા ઉત્પાદન છતાં સરકારે આયાતના દ્વાર ખોલીને વરસાદમાં નુક્સાની ભોગવનાર કઠોળના ખેડૂતોને બેવડો ફટકો પહોચાડ્યો છે. સરકાર તેલીબિયાં અને કઠોળ પાછળ દર વર્ષે 80 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચે છે પણ સ્થાનિકમાં ખેતી કરનાર ખેડૂતોને ભાવ અપાવી શકતી નથી એ વાસ્તવિકતા છે. ભારત સરકારના અણઘડ વહિવટને પગલે વિદેશી ખેડૂતો કમાણી કરે છે અને ભારતના ખેડૂતોએ ભાવ માટે માર્કેટયાર્ડના ધક્કા ખાવા પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.