મોદી સરકારને નિષ્ણાંતોની સલાહઃ લોકડાઉન ખોલી દો, બસ શાળા-કોલેજ બંધ રાખો

ત્તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ પાસેથી લોકડાઉન અંગે મંતવ્ય જાણીને વડાપ્રધાન સાથેની બેઠકમાં ભાગ

આગામી 31મી મેના રોજ દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન 4.0ની સમય મર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે પહેલી જૂનથી લોકડાઉન 5 લાગુ થશે કે નહીં તેને લઈ સૌ કોઈ અવઢવમાં છે. અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયની કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલ્સે લોકડાઉન અંગે રિપોર્ટ સોંપ્યો હતો જેમાં લોકડાઉન ખોલવા અંગેની સલાહ અપાઈ હતી.

સીકે મિશ્રા અને ડો. વીકે પોલે કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલ્સનું નેતૃત્વ કર્યું હતું. બંને પેનલ્સે લોકડાઉન 4.0માંથી કઈ રીતે બહાર નીકળી શકાય તે અંગે રિપોર્ટ સોંપ્યો હતો. એક અહેવાલ પ્રમાણે સૂચનોમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનને દૂર કરી શકાય પરંતુ શાળા-કોલેજીસ-મોલ-ધાર્મિક સ્થળો જેવી જગ્યાઓ હજુ પણ બંધ રાખવામાં આવે તે યોગ્ય છે. જોકે હજુ સુધી તેમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઈ કોઈ પ્રસ્તાવ નથી આપવામાં આવ્યો.

તે સિવાય જે જિલ્લાઓમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર નોંધાઈ છે ત્યાં હજુ પણ કડક નિયંત્રણ જાળવવાનું સૂચન અપાયું છે. જોકે આ હજુ પેનલ્સ તરફથી અપાયેલા સૂચનો છે તથા ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય તેના પર અંતિમ નિર્ણય લેશે. ઉલ્લેખનીય છેકે ગૃહ મંત્રાલયે માર્ચમાં 11 પેનલ્સની રચના કરી હતી જેને લોકડાઉન અંગેનો અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગૃહ મંત્રી અમિત શાહ સાથે લોકડાઉન 5 અંગે ચર્ચા કરવા એક લાંબી બેઠક યોજી હતી. વડાપ્રધાન આવાસે યોજાયેલી આ બેઠકમાં 31મી મે બાદની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી. અમિત શાહે ગુરૂવારે જ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને લોકડાઉન અંગે તેમના મંતવ્યો જાણ્યા હતા.

દેશમાં 24મી માર્ચના રોજ પહેલુ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં 70 જેટલા દિવસો વીતી ગયા છે અને દેશમાં લોકડાઉન ચાલુ છે. જોકે હજુ પણ અનેક રાજ્યોએ પોતાના તરફથી લોકડાઉન લંબાવ્યું છે અથવા તો તેને વધુ લંબાવવા ભલામણ કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.