રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે પોતાની નાણાકીય નીતિ જાહેર કરી હતી. આરબીઆઇના નાણાકીય નીતિની સમીક્ષાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર, 2019માં ગ્રાહકોનો વિશ્વાસ છ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. અહેવાલ અનુસાર વર્તમાન સ્થિતિ ઇન્ડેક્સ(કરન્ટ સિચ્યુએશન ઇન્ડેક્સ) સપ્ટેમબર મહિનામાં 89.4 ટકા થઇ ગયો છે જે છેલ્લા 6 વર્ષોની સરખામણીમાં સૌથી ખરાબ છે. આ અગાઉ આ ઇન્ડેક્સ સપ્ટેમ્બર ,2013માં ઘટીને 88 સુધી પહોંચી ગયો હતો.
આરબીઆઇ દરેક કવાર્ટરમાં એક વખત ગ્રાહક વિશ્વાસ સર્વેક્ષણ (કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે) કરે છે, જેમાં અનેક મોટા શહેરોના લગભગ 5000 ગ્રાહકોની આર્થિક સ્થિતિ અંગે પૂછવામાં આવે છે. આ સર્વેક્ષણમાં પાંચ આર્થિક મુદ્દાઓ પર ગ્રાહકોને પ્રશ્રો પૂછવામાં આવે છે. આર્થિક સ્થિતિ, રોજગારી, મૂલ્ય સ્તર, આવક અને ખર્ચ અંગે પ્રશ્રો પૂછવામાં આવે છે. ગ્રાહક વિશ્વાસ સર્વેક્ષણમાં મુખ્યત્વે વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની અપેક્ષાઓને આધારે ઇન્ડેક્સ બનાવવામાં આવે છે.
વર્તમાન સ્થિતિના દરો છેલ્લા એક વર્ષમાં ગ્રાહકો દ્વારા અનુભવ કરાયેલા આર્થિક ફેરફારોથી માપવામાં આવે છે. આ ઉપરાંત ભવિષ્યની અપેક્ષાઓ માટે આગામી એક વર્ષમાં આર્થિક પરિસ્થિતિઓ પર ગ્રાહકોનો મત લેવામાં આવે છે. આરબીઆઇના સપ્ટેમ્બરના સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે ક વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની અપેક્ષા બંને મુદ્દાઓ પર ગ્રાહકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે વર્તમાન સ્થિતિનો દર 100થી વધારે હોય છે ત્યારે ગ્રાહકો આશાવાદી હોય છે જ્યારે 100થી નીચે હોય છે ત્યારે ગ્રાહકો નિરાશાવાદી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.