– મોદી સરકારનું એક વર્ષ : કોંગ્રેસનું સૂત્ર ‘નિરાશ લોકો, નિર્દય સરકાર’
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું વર્ષ દેશવાસીઓ માટે નિરાશાજનક, અવ્યવસ્થા સર્જનારું, પીડાદાયક રહ્યું : કોંગ્રેસ
– ચૂંટણી પંચ, સીવીસી, સીએજી, લોકપાલ, માહિતી આયોગ જેવી સંસ્થાઓને નબળી પડાઈ, કોઈ અવાજ ઊઠાવે તો કેસ કરાય છે
મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અંગે દેશને જણાવી રહ્યા છે. બીજીબાજુ કોંગ્રેસ સહિત વિપક્ષે એક વર્ષમાં કેન્દ્ર સરકારની કથિત સિદ્ધિઓ બદલ મોદી સરકારની ઝાટકણી કાઢી છે. કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરી વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવ્યો છે. એટલું જ નહીં તેમણે ‘નિરાશ લોકો, નિર્દય સરકાર’ નામનું નવું સૂત્ર આપ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ નિરાશાજનક, અવ્યવસ્થાવાળું અને પીડાદાયક રહ્યું છે.
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સ્લાઈડ શો દર્શાવતાં મોદી સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી. સ્લાઈડમાં પરપ્રાંતીય મજૂરો, કોવિડ વોરિયર્સ, ખેડૂતો અને ઉદ્યોગો સાથે સંકળાયેલી સમસ્યાઓ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ સિવાય મહિલાઓની સલામતી, રાષ્ટ્રીય સલામતી અને વિદેશ નીતિ અંગે પણ કેન્દ્ર સરકાર પર કોંગ્રેસે અનેક આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસે કહ્યું કે વર્તમાન સરકારે વચનો તો અનેક આપ્યા હતા, પરંતુ પૂરા બહુ ઓછા કર્યા છે. વડાપ્રધાન મોદીએ બીજો કાર્યકાળ શરૂ કરતાં પહેલાં વચન આપ્યું હતું કે દર વર્ષે બે કરોડ નોકરીઓ પેદા કરીશું, પરંતુ આ કાર્યકાળમાં દેશે ૪૫ વર્ષની સૌથી મોટી બેરોજગારી જોઈ. જીડીપી ઘટી રહ્યો છે. ફેબુ્રઆરી ૨૦૨૧માં જીડીપી નેગેટિવમાં રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. છેલ્લા છ વર્ષના કાર્યકાળમાં દેશ અભૂતપૂર્વ બેન્ક ફ્રોડની ઘટનાઓનો સાક્ષી બન્યો છે. આ યાદીમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિત અગણિત નામો છે.
વિશેષ આર્થિક પેકેજ પર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીએ પ્રોત્સાહન પેકેજના નામ પર જીડીપીના ૧૦ ટકા ખર્ચ કરવાની વાત કરી હતી. પરંતુ હકીકતમાં આ પેકેજ માત્ર ૦.૮ ટકા જ હતું. દેશ ગરીબ થઈ રહ્યો છે જ્યારે ભાજપ ધનવાન થઈ રહ્યો છે. મોદી સરકારના કાર્યકાળમાં ભાજપ ૨૪૮ ટકા વધુ ધનિક થઈ ગઈ છે. ચૂંટણી પંચ, સીવીસી, સીએજી, લોકપાલ, માહિતી આયોગ જેવી સંસ્થાઓને નબળી બનાવી દેવાઈ છે અને તેમનું મહત્વ ઘટાડી દેવાયું છે. કોઈ બુદ્ધિજીવી અથવા નેતા સરકાર વિરુદ્ધ અવાજ ઊઠાવે તો તેમના વિરુદ્ધ કેસ ચલાવાય છે.
વધુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પર નિશાન સાધતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે તેમણે પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશના મેડિકલ સ્કેમ પર પણ વાત કરવી જોઈએ. ત્યાંના ભાજપ પ્રદેશ અધ્યક્ષે રાજીનામુ આપી દીધું, પરંતુ મુખ્યમંત્રી જે સ્વાસ્થ્ય મંત્રાલય પણ જોઈ રહ્યા છે તે હજી પણ પદ પર છે. નડ્ડાએ ગુજરાતના વેન્ટિલેટર અને રેપિડ ટેસ્ટિંગ સ્કેમ અંગે પણ વાત કરવી જોઈએ.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે નડ્ડા દેશને જણાવે કે કોરોના વાઈરસ અંગે રાહુલ ગાંધીએ ૧૨મી ફેબુ્રઆરીએ ચેતવણી આપવા છતાં સરકારે કેવી બેદરકારી દાખવી. ગૃહમંત્રી અમિત શાહે તબલિગી જમાતના લોકોને કોરોના જેવી સ્થિતિ વચ્ચે સમારંભ યોજવાની મંજૂરી કેવી રીતે આપી? તેમણે ઉમેર્યું હતું કે દેશ કોરોનામાં સપડાયેલો હતો ત્યારે પીએમ મોદી મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર તોડવામાં વ્યસ્ત હતા. દેશમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરીમાં આવ્યો હતો, પરંતુ ટેસ્ટિંગ અંગે રણનીતિની જાહેરાત માર્ચમાં કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.