મોદી સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતો અનલોક કરી દીધીઃ રાહુલ ગાંધી

આજે પેટ્રોલના ભાવ નથી વધ્યા પરંતુ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો

 

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઐતિહાસિક વધારો થઈ રહ્યો છે. આવું પહેલી વખત બન્યું છે કે દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધી ગઈ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી હવે આ મામલે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ બુધવારે એક ચાર્ટ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, સરકારે કોરોના અને પેટ્રોલ-ડીઝલનો ભાવ અનલોક કરી દીધો છે.

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મોદી સરકારે કોરોના મહામારી અને પેટ્રોલ-ડીઝલની કિંમતો અનલોક કરી દીધી છે.’ ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જો કે ફક્ત આજે એટલે કે બુધવારે એવું બન્યું છે કે પેટ્રોલના ભાવ નથી વધ્યા પરંતુ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે.

આજે એટલે કે બુધવારે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત 79.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે પેટ્રોલની કિંમત 79.40 રૂપિયા પ્રતિ લિટર છે. જો કોરોના વાયરસ અંગે વાત કરીએ તો રાહુલ ગાંધી સતત મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લોકડાઉનને નિષ્ફળ ગણાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં અનેક વખત એવો ઉલ્લેખ કર્યો છે કે, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકડાઉન દૂર કરાઈ રહ્યું છે.

રાહુલ ગાંધી ઉપરાંત વિપક્ષની અન્ય પાર્ટીઓ પણ સતત સરકાર સામે સવાલો કરી રહી છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, સરકારે ભાવવધારો પાછો લેવો જોઈએ.

સોનિયા ગાંધીએ લખ્યું હતું કે, કોરોના સંકટ અને લોકડાઉનના કારણે લોકોની નોકરીઓ જતી રહી છે ત્યાર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને સામાન્ય જનતા પર બોજો નાંખી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.