મોરારી બાપુ ઉપર દ્વારકા મંદિરમાં કરવામાં આવેલ હિંસક હુમલાના પ્રયાસને લઈને આજે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પબુભા માણેક પર કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી થયેલી રજૂઆત મુજબ કૃષ્ણ વિવાદ અંગે જે આહિર સમાજની લાગણી દુભાણી હતી. તે બાબતે પૂજય મોરારી બાપુને આહિર સમાજ દ્વારા કહેવામાં આવેલ કે અમારા સમાજની ઇચ્છા છે કે આપ આ વિવાદ અંગે દ્વારકા આવીને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી માફી માંગો.
આહીર સમાજની લાગણીને ધ્યાને લઇને બાપુએ પહેલા પણ વ્યાસપીઠ પરથી માફી માંગી હતી. છતાં પણ દ્વારકા જઇને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી પ્રેસ કોન્ફરન્સ કરી રહયા હતાં ત્યારે બીજેપીનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હિંસક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ હુમલાનો પ્રયાસ એ માત્ર મોરારી બાપુ ઉપર જ નહી પણ સનાતન પરંપરા ઉપર હુમલો થયો છે. 60-60 વર્ષથી જેમણે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની ધજા લહેરાવી છે એવા શાંતિપ્રિય સંવાદના સંત મોરારી બાપુ પર આ પ્રકારના વલણથી સમગ્ર સાધુ અને અન્ય સમાજની લાગણી દુભાઈ છે. પરંતુ જાણી જોઇને આયોજનબદ્ધ હુમલો કરનાર પબુભા માણેક સામે હુમલાની સાજીશ કરવા બદલ તેમની સામે કાનુની કાર્યવાહી થવી જોઇએ. જેથી કરીને ભવિષ્યમાં ફરી કોઇ દેશના સાધુ સંતો પર આવા હુમલા કરવાની કોશિશ ન કરે અને સનાતન ધર્મ રક્ષા માટે પણ આવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે. એવી અમારા સુરત શહેરનાં સમગ્ર વૈષ્ણવ સાધુ સમાજ તથા દસનામ ગૌસ્વામી સાધુ સમાજ તથા રામાનંદ સંપ્રદાય સાધુ સમાજની માંગણી છે અને સમગ્ર સાધુ સમાજ આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.