કોરોના સંક્રમણના કારણે ગુજરાતનાં 604 જેટલાં બાળકોનો આશરો છીનવાઈ ગયો છે. યુવાનોના એક સંગઠને કરેલા સરવેમાં આ વાત બહાર આવી છે. ગુજરાતમાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધા છે, જ્યારે 501 બાળકે માતા કે પિતાને ગુમાવી દીધા છે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિમાં વિશ્વાસ નહીં રાખતા આ યુવાનોના જૂથે હવે આ પ્રકારના બાળકોનો જીવનનિર્વાહ યોગ્ય રીતે થાય તેના માટે તૈયારી શરૂ કરી છે.
એક યુવક કહે છે કે, અમારી સામે જે માહિતી આવી છે, તેના કરતા વધુ બાળકો નિરાધાર થઈ ગયા હોઈ શકે છે. આ સરવે હેઠળ રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી માહિતી ભેગી કરાઈ છે. જેમ કે, અમદાવાદમાં સૌથી વધુ 235 બાળકે માતા-પિતા કે બેમાંથી એકને ગુમાવ્યા છે. એવી જ રીતે, રાજકોટમાં 46, બનાસકાંઠામાં 30, ગાંધીનગરમાં 29 અને સુરતમાં 27 બાળક આવા છે. જોકે, અમે હજુ આવા બાળકોની ચોક્કસ માહિતી મેળવવા પ્રયત્નશીલ છીએ.604 બાળકો તેમના માતા-પિતા કે બેમાંથી એક ગુમાવી ચૂક્યા છે. તેમાં 347 છોકરા અને 257 છોકરી છે.
એક તરફ, જ્યાં રાજ્યની શાળામાં નવા સત્રની ફીને લઇને અસમંજસતા છે, એવામાં અમદાવાદ શહેરના શાળા-સંચાલકો તરફથી વાલીઓને મોટી રાહતના સમાચારા સામે આવ્યા છે. કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાળા-સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરાવામાં આવશે.
ચાલુ વર્ષે શાળાઓમાં ફીનો મુદ્દો વધુ વેગ પકડે એ પહેલાં જ અમદાવાદના ખાનગી શાળા-સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન “સંગાથ’ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમણે કોરોનાકાળમાં પોતાનાં માતા અથવા પિતા ગુમાવ્યાં છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે, સાથે-સાથે આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની ફી ભરી હશે એ પણ પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.