ગુજરાતમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સરકારી આવાસમાં હજી પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવાસની ગુણવત્તા અને કક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં રાજ્યના 51 ટકા પોલીસ કર્મચારીઓને હજી રહેણાંકના આવાસ આપી શકાયા નથી.
ગુજરાત પોલીસ આવાસ નિગમ વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે રહેણાંકના આવાસ બનાવે છે. આ નિગમે અત્યાર સુધીમાં 47380 આવાસો તૈયાર કરીને પોલીસ કર્મચારીઓને રહેવા માટે આપ્યાં છે તેમ છતાં હજી પણ 48766 જેટલા આવાસ બનાવવાના બાકી છે.
નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ માટે સરકારી આવાસ બનાવવા માટે અમને પ્રતિવર્ષ 1000 કરોડ રૂપિયા લેખે આગામી 10 વર્ષ માટે 10,000 કરોડ રૂપિયાની આવશ્યકતા છે. અમે દર વર્ષે 5000 આવાસ બનાવી શકીએ તે માટે સરકારે અમને 1000 કરોડ રૂપિયા આપવા પડે તેમ છે. જો સમયસર ગ્રાન્ટ મળશે તો આગામી 10 વર્ષમાં અમે 50,000 પોલીસ આવાસ બનાવવા તૈયાર છીએ.
તેમણે કહ્યું હતું કે પોલીસ વિભાગના આવાસમાં અલગ ઓળખ ઉભી થાય તે હેતુથી અમે રહેણાંક અને બિન રહેણાંકના આવાસો માટે કલર કોડ નિશ્ચિત કર્યો છે. પોલીસ આવાસ માટે જમીન ખૂબ મોંઘી હોવાથી અમે હવે ઓછી જમીનમાં વધુ આવાસ બનાવી શકાય તે માટે બહુમાળી આવાસ તૈયાર કરી રહ્યાં છીએ.
નિગમે અત્યાર સુધી પોલીસ આવાસ માટે 4351 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમ છતાં 49 ટકા પોલીસ કર્મચારીઓને રહેવા માટેના આવાસ આપી શકાયા છે. આ નિગમ રહેણાંકના આવાસ ઉપરાંત બિન રહેણાંકના આવાસ એટલે કે પોલીસ સ્ટેશન અને અન્ય સરકારી ઓફિસ પણ બનાવે છે.
https://www.youtube.com/watch?v=V-c4z0zFu2k
રાજ્યમાં નિગમે અત્યાર સુધીમાં 3292 બિન રહેણાંક આવાસ બનાવ્યા છે જેનો કુલ ખર્ચ 2339 કરોડ રૂપિયા થયો છે. હાલમાં નિગમ દ્વારા 10094 રહેણાંક આવાસો તેમજ 581 બિન રહેણાંક આવાસ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે જેનો અંદાજીત ખર્ચ 3039 કરોડ રૂપિયા થવાની ધારણા છે.
નિગમના અધિકારીએ કહ્યું હતું કે અમે પોલીસના આવાસની કક્ષામાં વધારો કર્યો છે જે અનુસાર પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને પહેલાં વન બીએચકેના આવાસ આપવામાં આવતા હતા તે હવે ટુબીએચકેના કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના આવાસ પહેલાં ટુબીએચકેના હતા તેને થ્રી બીએચકેના કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.