રાજકોટનાં ૭૫ હજારથી વધુ લોકોને મળ્યા આકર્ષક ડિઝાઇનવાળા મતદાર કાર્ડ
News Detail
રાજકોટ જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા તૈયાર કરાયેલા નવા 75,753 મતદાર કાર્ડનું વિતરણ પોસ્ટ વિભાગ દ્વારા ચાલી રહ્યું છે. નવા મતદાર કાર્ડ આકર્ષક ડિઝાઇનવાળા તૈયાર કરવામાં આવ્યા છે. વળી, આ કાર્ડ જે પોસ્ટ કવરમાં વિતરિત કરવામાં આવી રહ્યા છે, તેના પર મતદારોને નૈતિક મતદાન માટે પ્રેરિત કરતા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. આમ મતદાર કાર્ડના વિતરણ સાથે મતદાર જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરવા, સુધારવા, રદ કરવા સહિતની ઝુંબેશ તેમજ સતત સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સુધારાઓ પછી જિલ્લામાં 75,753 નવા મતદાર કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્ડ એ.ટી.એમ. કાર્ડ જેવા આકર્ષક ડિઝાઇનવાળા છે. ઉપરાંત તેમાં ઘણી નવીનતા પણ ઉમેરવામાં આવી છે. 68- રાજકોટ પૂર્વ મતક્ષેત્રમાં આવા 9069 કાર્ડ, 69- રાજકોટ પશ્ચિમમાં 10,590 કાર્ડ, 70- રાજકોટ દક્ષિણમાં 7423 કાર્ડ, 71- રાજકોટ ગ્રામ્યમાં 16,837 કાર્ડ, 72- જસદણમાં 7613 કાર્ડ, 73- ગોંડલમાં 5624 કાર્ડ, 74- જેતપુરમાં 10,583 કાર્ડ, 75- ધોરાજીમાં 8014 એપિક કાર્ડ તૈયાર કરવા આવ્યા છે. આ કાર્ડ હાલ આકર્ષક પોસ્ટલ કવરમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને જ્યારે નવું કાર્ડ મળે છે, તેની સાથે નૈતિક મતદાન કરવા માટેનો સંદેશો પણ મળે છે. આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઈટ, 1950 વોટર હેલ્પલાઇન નંબર, નામ નોંધણી ચકાસવા માટે વોટર પોર્ટલની માહિતી, વોટર હેલ્પલાઇન એપ વગેરેની વિગતો પણ પ્રિન્ટ કરવામાં આવી છે. જેનાથી નાગરિકો ચૂંટણી પંચની પ્રક્રિયા અંગે જાગૃત બને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.