મોટો ખુલાસો: અમદાવાદના કોટ વિસ્તારમાં ગીચતા ઊભી કરનારા બીજા કોઈ નહીં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો જ છે’

વક્ત વક્ત કી બાત હૈ… એક જમાનામાં અમદાવાદ શહેરનો કોટ વિસ્તાર વૈભવી, આલીશાન, સુશિક્ષિત અને સુંદર મજાની બિલ્ડિંગોના કારણે મુલ્ક મશહૂર ગણાતો-ઓળખાતો હતો. ક્યાં રહો છો એવા પ્રશ્નના ઉત્તરમાં ખાડિયા, કાળુપુર, શાહપુર, દરિયાપુર કે ખાનપુરનું નામ લો તો સમાવાળો તમને ભેટી પડતો અને એવો અહોભાવ વ્યક્ત કરતો કે, આપણી છાતી ગજ ગજ ફૂલી જતી, શર્ટના બટન તૂટી જતા અને કોલર ઊંચા થઈ જતા હતા.

લેકિન, વિકસતા અને વિસ્તરતા જતા અમદાવાદની સાથે આજના રાજકારણીઓ, ભાજપ- કોંગ્રેસના નેતાઓ, શાસકો અને મ્યુનિ. કોર્પોરેટરોએ રૂપાળા અને રોગચાળાથી યુક્ત એવા કોટ વિસ્તારને ગેરકાયદે બાંધકામોના રાફડા અને જાતજાતના દબાણોથી એવો ઘેરી લીધો છે કે, તેના મૂળ અસ્તિત્વનો નાશ થઈ ગયો છે, થોડાંક નહીં ઝાઝા રૂપિયા કમાવવાની હોડ અને કોમ કોમને લડાવી ચૂંટણીમાં મત ખેરવી લેવાની કાતિલ સ્પર્ધાને કારણે પોળોની, શેરીઓ, ખડકીઓ, ખાંચાઓ અને ડહેલા અને મહોલ્લાના એક કે બે માળિયાના મકાનો તથા ખુલ્લા મેદાનોમાં ગેરકાયદે મોટી મોટી બિલ્ડિંગો, કોમ્પ્લેક્સ અને પાંચ-સાત માળના ઊંચા મકાનોની એવી વણઝાર ખડી કરી દીધી છે કે, શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે.

આ સ્થિતિ રાતોરાત ઊભી થઈ નથી, છેલ્લા કેટલાંક વર્ષોથી ગેરકાયદે બાંધકામ અને બિલ્ડરો સાથેની સાઠગાંઠને કારણે ઊભી થઈ છે અને તેના મૂળમાં મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ, ટીડીઓ ખાતાના અધિકારીઓ, ઇન્સ્પેક્ટરો અને મ્યુનિ. કોર્પોરેશનના શાસક અને વિપક્ષના બડા બડા નેતાઓ અને મ્યુનિ. કોર્પોરેટરો જ રહ્યા છે એમ કહેવા કરતા કોટ વિસ્તારના ભાજપ- કોંગ્રેસના કેટલાંક નહીં અનેક કોર્પોરેટરો માટે રોકડિયો અને કાયમી ધંધો બની ગયો છે. પોળ કે મહોલ્લામાં નવા બિલ્ડિંગો બાંધવાના પ્લાન જે દિવસે મ્યુનિ. એસ્ટેટ, ટીડીઓ ખાતામાં રજૂ થાય એ દિવસથી જ પેલા કોર્પોરેટરો અને આ અધિકારીઓ માટે દિવાળીના તહેવારો શરૂ થાય છે અને બિલ્ડિંગ બાંધનારા બિલ્ડરો છૂટાહાથે પૈસાની લહાણી કરીને ગેરકાયદે બિલ્ડિંગોની ફોજ ખડી કરે છે. એ ફોજની તેજ રફતારમાં ભાજપ-કોંગ્રેસના છોટા-બડા કાર્યકરો અને આર.ટી.આઈ એક્વિસ્ટો પણ સામેલ થતા. ગેરકાયદે બાંધકામોનો ધીકતો ધંધો થઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.