કોરોના મહામારીએ ભારતમાં શાળાને ડિજિટલ સંકટમાં મૂકી દીધી છે. દેશના જુદા જુદા વિસ્તારમાં વિદ્યાર્થીઓનું ડિજિટલ વિભાજન થઈ રહ્યું છે અને મોટાભાગની શાળાને એ પણ ખબર નથી કે લોકડાઉનમાં પોતાના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવા ? મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓની વ્યથા એ છે કે શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું છે, પરંતુ વિદ્યાર્થીના ઘરે ન તો કમ્પ્યૂટર છે, ન તો ઇન્ટરનેટનું કનેક્શન, એ સંજોગોમાં વિદ્યાર્થી ઘરે કઈ રીતે અભ્યાસ કરે ? સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સ્પીડ કામ કરવા લાયક હોતી નથી. મોંઘી પ્રાઇવેટ શાળાઓએ તો ઓનલાઇન શિક્ષણ શરુ કર્યો છે પણ વિદ્યાર્થીઓ શિક્ષણની જગ્યાએ સ્માર્ટફોનના એડિક્ટ બની રહ્યા છે. લાંબા સમય સુધી મોબાઇલમાં જોતા રહેવાથી આંખની સમસ્યા વેઠવી પડી રહી છે.
હવે સવાલ એ છે કે આખરે, કેટલા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન શિક્ષણની સુવિધા છે ? કેરળની એક વિદ્યાર્થીનીએ તો આ સુવિધા ન હોવાને કારણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. એ ઘટના બાદ તો આ મુદ્દે ચર્ચા વધી પડી છે. સપ્ટેમ્બર ૨૦૧૯ના એક રિપોર્ટ મુજબ ભારત ઇન્ટરનેટની સ્પીડ મામલે વિશ્વમાં ૧૨૮મા ક્રમે છે. ગ્રામીણ વિસ્તારોમાં એ સ્થિતિ તો વધુ બદતર છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ વચ્ચે આ ખાઈ ઓનલાઇન શિક્ષણના માર્ગમાં એક સૌથી મોટો અવરોધ બની ગયો છે.
ઘણા શિક્ષણવિદોએ દેશમાં ડિજિટલ ખાઈ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મિશન અંત્યોદય હેઠળ ૨૦ ટકા ગ્રામીણ પરિવારોને ૮ કલાકથી પણ ઓછો સમય વીજળી મળે છે અને ૪૭ ટકાને તો ૧૨ કલાકથી થોડી વધુ વીજળી મળે છે. એ ઉપરાંત ૨૦૧૮ના એક અભ્યાસ મુજબ ફ્ક્ત ૨૪ ટકા લોકો પાસે જ સ્માર્ટફોન છે. બીજા એક રિપોર્ટ મુજબ જુલાઈ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ દરમિયાન દેશમાં ફ્ક્ત ૧૦.૭ ટકા પરિવારો પાસે જ કમ્પ્યૂટર હતું. ઓનલાઇન શિક્ષણ ભારત માટે નવું છે. પરંતુ તે માટે ગરીબી અને ઇન્ટરનેટનો વ્યાપ જેવી કેટલાય અવરોધ દૂર કરવા જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.