મધ્યપ્રદેશ: ફ્લોર ટેસ્ટ મામલે હવે આજે સુનાવણી, SCમાં બંને પક્ષોએ કરી આ દલીલો

સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટ કરાવવા રાજ્યના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણની અરજીની સુનાવણી દરમિયાન તમામ વકીલોએ જોરદાર દલીલો કરી હતી. એક તરફ રાજ્ય કોંગ્રેસ વતી દુષ્યંત દવેએ દલીલ કરી હતી કે રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ માટે ઓર્ડર આપવાનો અધિકાર નથી. બીજી તરફ, પૂર્વ સીએમ અને ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણ વતી મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટથી બહુમતી ખબર પડી જશે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડે કહ્યું જો ધારાસભ્યો સ્પીકર સમક્ષ હાજર થાય તો શું સ્પીકર રાજીનામા અંગે નિર્ણય લેશે? સ્પીકરના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ગુરુવારે આ વિશે જણાવીશું.

બુધવારે સુપ્રીમ કોર્ટમાં મધ્ય પ્રદેશની વિધાનસભામાં ભાજપ દ્વારા ફ્લોર ટેસ્ટની માંગ અંગે સુનાવણી લગભગ 4 કલાક સુધી રાખી હતી. પાંચ વકીલોએ કોંગ્રેસ, ભાજપ, રાજ્યપાલ, અધ્યક્ષ અને બળવાખોર ધારાસભ્યો વતી દલીલો રજૂ કરી હતી. કોંગ્રેસે કહ્યું કે ભાજપ દ્વારા બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સોંપવાનું આ કાવતરું છે. તેની તપાસ થવી જોઈએ. બહુમતી પરિક્ષણ માટે રાતોરાત મુખ્ય પ્રધાન અને અધ્યક્ષને આદેશ આપવાનું રાજ્યપાલનું કામ નથી. સ્પીકર આ મામલે સૌથી ઉપર છે. રાજ્યપાલ તેના પર હાવી થઈ રહ્યાં છે. કોંગ્રેસે ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો પર પેટા-ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ નહીં કરવાની માંગ કરી હતી. ભાજપે તેનો વિરોધ કર્યો. કોર્ટે કહ્યું કે 16 બળવાખોર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં જોડાય કે નહીં પરંતુ તેમને બંધક બનાવી શકાય નહીં. ધારાસભ્યોએ કહ્યું કે સ્પીકરને તેમનું રાજીનામું સ્વીકારવાનો નિર્દેશ આપવામાં આવે.

પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના 9 ધારાસભ્યોએ કમલનાથ સરકાર દ્વારા બહુમતી પરીક્ષણ ન કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બીજી અરજી કોંગ્રેસના ધારાસભ્યોની છે, જેમાં બેંગલુરુમાં રહેલા 22 બળવાખોર ધારાસભ્યોને પાછો ખેંચવાનો નિર્દેશ આપવા કહેવામાં આવ્યું છે. સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.