મધ્ય પ્રદેશ વિધાનસભામાં 27 બેઠકો ખાલી છે, ભાજપ અને કોંગ્રેસમાં કોણ જીતશે બાજી ?

કોરોના વાયરસના આગમનની પહેલાં માર્ચની પહેલીએ મધ્ય પ્રદેશમાં સત્તાપલટો થયો હતો. કમલનાથની સરકાર ગબડી પડી હતી. ગ્વાલિયરના રાજ પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટેકેદારો સાથે સાગમટે પક્ષપલટો કર્યો હતો. એના પગલે કમલનાથે સરકાર ગુમાવી હતી.

આમ થવાથી મધ્ય પ્રદેશ વિધાનસભામાં એક બે નહીં, પૂરી સત્તાવીસ બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો ક્યારે ભરાશે, પેટાચૂંટણી ક્યારે થશે એ કોઇ જાણતું નતી. એકલા ગ્વાલિયર-ચંબલ મતવિસ્તારની 16 બેઠકો છે. આ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસમાં કોરોનાનો ચેપ પણ સારો એવો ફેલાયો હતો. 230 બેઠકો ધરાવતી મધ્ય પ્રદેશ વિધાનસભામાં હાલ 203 બેઠકો ભરાયેલી છે. બાકીની 23 બેઠકો ખાલી છે. કમલનાથની સરકાર હતી ત્યારે કોંગ્રેસની કુલ 114 બેઠક હતી જે ઘટીને 89 થઇ ગઇ. ભાજપ પાસે 107 બેઠકો છે. અન્ય પક્ષોના સાત ધારાસભ્યો છે. કોંગ્રેસના કુલ 25 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં અને આ બધા ભાજપમાં જોડાઇ જાય એવી શક્યતા નકારી કઢાતી નથી.

આવતી કાલે પેટાચૂંટણી થાય તો ભાજપને માત્ર નવ ધારાસભ્યોની જરૂર પડે. એ સાથે એની બહુમતી થઇ જાય. કોંગ્રેસે બહુમતી સ્થાપવી હોય તો ઓછામાં ઓછી 26 બેઠકો પેટાચૂંટણીમાં જીતી બતાડવી પડે. ભાજપને બસપાના બે અને સપાના એક સભ્યનો ટેકો હોવાનું કહેવાય છે. જોવાનું છે કે કોંગ્રેસ જીતે છે યા ભાજપનું કમળ ખીલે છે.

સત્તા ગુમાવવી પડી ત્યારથી કોંગ્રેસના મનમાં દાઝ છે. અત્યારે તો ભાજપની સરકાર છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ મેદાન મારી જાય તો ભાજપની પ્રતિષ્ઠાને  બહુ મોટો ફટકો પડે કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના ટેકેદારોને ભાજપે પક્ષપલટો કરાવ્યો હતો.

અત્યારે તો કોંગ્રેસ પૂરી શક્તિ કામે લગાડી રહી હતી. કમલનાથ ભાજપથી નારાજ હોય એવ નેતાઓની અંગત મુલાકાત લઇને એમને પોતાની તરફ ખેંચવાના પ્રયાસ કરી રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.