ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મુંબઇની યાત્રા ખૂબ ફળી હોવાના અહેવાલ હતા. મુંબઇના માતબર ઉદ્યોગપતિઓ અને ફિલ્મોદ્યોગના પ્રતિનિધિઓએ એમને અબજો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટનાં વચનો આપ્યાં હોવાનું કહેવાય છે.
યોગી મુંબઇમાં હતા ત્યારે ફિલ્મોદ્યોગના પ્રતિનિધિઓ તેમને મળ્યા એ મુદ્દે શિવસેનાની ડાગળી ચસકી હતી અને શિવસેનાના મુખપત્ર સામનામાં યોગી વિશે અને ઉત્તર પ્રદેશ રાજ્ય વિશે એલફેલ લખવામાં આવ્યું હતું. પરંતુ યોગીએ કોઇ પ્રત્યાઘાત વ્યક્ત કર્યા નહોતા.
ટાટા ઉદ્યોગસમૂહના અધ્યક્ષ એન ચંદ્રશેખરન યોગીને રૂબરૂ મળ્યા હતા અને ઓછામાં ઓછા ચાર ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ, તીર્થસ્થળો પ્રયાગરાજ અને અયોધ્યામાં હૉટલ્સ, પેસેંજર ઇલેક્ટ્રિક વાહનો અને સોલર મેન્યુફેક્ચરીંગ. આમ ટાટા ગ્રુપથી ઇન્વેસ્ટમેન્ટ ઑફર્સની શરૂઆત થઇ હતી.
હીરાનંદાની ગ્રુપના ચેરમેન ડૉક્ટર એમડી ડૉક્ટર નિરંજન હીરાનંદાનીએ ડેટા સેન્ટર ક્ષેત્રમાં માતબર મૂડી રોકાણની ઇચ્છા વ્યક્ત કરી હતી. કેકેઆર અને સિમેન્સ કંપનીએ પણ પોતાને ઉત્તર પ્રદેશમાં સારી સુવિધા મળતી હોય તો મબલખ મૂડી રોકાણની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બંને ગ્રુપના ચેરમેને પણ યોગી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. સાથોસાથ કલ્યાણી ગ્રુપના ચેરમેન બાબા કલ્યાણીએ ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરમાં મૂડીરોકાણની તૈયારી દાખવી હતી.
આમ શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના હોકારા પડકારા છતાં યોગીની મુંબઇની મુલાકાત સફળ થઇ હતી એવો દાવો યોગીના પ્રવક્તાએ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.