પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલા પર ગોળીઓનો વરસાદ કરીને પંજાબના માણસામાં હત્યા નીપજાવવામાં આવી હતી જે કેસમાં ત્રણ શાર્પશૂટરને દિલ્હીની સ્પેશયલ પોલીસની ટીમે મુન્દ્રાથી દબોચી લીધા હતા અને દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું કે,આરોપીઓ હત્યા કરીને 58 સ્થળોએ છુપાયા હતા જે બાદ મુન્દ્રા આવ્યા અને અહીં દબોચાઈ ગયા હતા.
હત્યામાં સંડોવાયેલા શાર્પશૂટરો ફૌજી અને કશિશે જણાવ્યું કે,પોલીસને ચકમો આપવા માટે તેઓ મુંદ્રા બંદર તરફ જતા સમયે જાહેર પરિવહનની બસ કે ટ્રેન અથવા કારમાં પરિવહન કરવાનું ટાળતા હતા પરંતુ તેઓ ટ્રક, સાયકલ અને મોટરસાઇકલનો ઉપયોગ કરતા તેમજ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમા બળદ ગાડામાં પણ મુસાફરી કરી હતી.
આરોપીઓને પંજાબમાં ઘટના સ્થળથી લગભગ 175 કિમી દૂર વેરાન ખેતરોમાં અલગથી નાની ઝૂંપડીઓ આપવામાં આવી હતી અને હત્યાના નવ દિવસમાં, કોઈ પણ ગુનેગારને એવા લોકો વિશે કોઈ માહિતી નહોતી કે જેઓ તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી રહ્યા હતા.હત્યામાં વપરાયેલ હથિયારો અને દારૂગોળો પણ ઘટનાના એક કલાક પહેલા ગુનેગારોને સોંપવામાં આવ્યો હતો, એમ પોલીસ જણાવે છે.બે શૂટર્સ મનપ્રીત મન્નુ અને જગરૂપ રૂપા પંજાબના ગ્રામીણ વિસ્તારોમાં છુપાવવાનું પસંદ કરતા હતા, જ્યારે અન્ય ચાર ફૌજી, કશિશ, અંકિત સિરસા અને દીપકે પંજાબથી ભાગીને મુન્દ્રા સુધી આવવામાં કુલ 58 સ્થળો બદલ્યા હતા.
ઉલ્લેખનીય બાબત છે કે,ગત 19મી જુનના દિલ્હી પોલીસની ખાસ ટીમે મુન્દ્રાના બારોઈમાં ખારી મીઠી રોડ પર ગુપ્ત ઓપરેશન પાર પાડીને લોરેન્સ બીશ્નોઈ ગેંગના ખૂંખાર આરોપીઓ કશીશ ઉર્ફે કુલદીપ,અશોક ઉર્ફે ઈલિયાઝ ઉર્ફે ફોઝી અને કેશવકુમારની અટકાયત કરી હતી.આ શખ્સો સપ્તાહ પહેલા જ અહીં આવીને ભાડેની ઓરડીમાં રહેતા હતા અને જે બાદ પશ્ચિમ કચ્છ પોલીસે ભાડુઆત નોંધણી માટે ડ્રાઇવ રાખવા સાથે મકાન ભાડે આપનાર શખ્સ સામે પણ ફરિયાદ નોંધી હતી.
મુન્દ્રામાંથી આરોપીઓને દબોચી લેનાર દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે,આરોપીઓએ ગુજરાતમાં તેમના સહયોગીઓની મદદથી નકલી આધાર કાર્ડ બનાવ્યા હતા.બનાવટી નકલી આઈડીના આધારે, તેઓ કચ્છના મુન્દ્રા સહિતના વિસ્તારમાં ઓછા ભીડવાળા વિસ્તારોમાં સસ્તી હોટલોમાં રોકાયા હતા.જો કે, તેઓ ક્યારેય એક હોટલમાં સતત બે રાત રોકાયા નથી. કેટલીકવાર, પોલીસના દરોડાથી ડરીને, તેઓ દિવસમાં ત્રણ વખત તેમની હોટલ બદલી નાખે છે.
પોલીસને ચકમો આપવા માટે દરરોજ આરોપીઓ ગેટ-અપ બદલતા રહે છે અને સ્પેશિયલ સેલ ઓફિસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,તેઓ ઝૂંપડપટ્ટીમાં અથવા સસ્તી હોટલોમાં રહેવાનું પસંદ કરતા અને પોતાની ઓળખ છુપાવવા માટે રેસ્ટોરામાં ટ્રક ક્લીનર અને વેઈટર તરીકે પણ કામ કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.